દુબઈ: ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં થયેલી ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. UAE પોલીસે માલદીવના બે પાયલટની ધરપકડ કરી છે. આ બંને પાયલટનું ઓમાની કો-પાયલટ હમામ અલ હમ્મામી સાથે સંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આખી ઘટના તપાસનું કેન્દ્ર બની છે. પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના ફક્ત એક હાઈજેકિંગનો પ્રયાસ નહોતો, પણ વૈશ્વિક ઉડ્ડયન સુરક્ષા માટે ગંભીર પડકાર હતો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ મુસાફર બનીને વિમાન હાઈજેક કરે છે, પણ જ્યારે આતંકી પોતે પાયલટનો યુનિફોર્મ પહેરીને કોકપિટમાં પહોંચી જાય તો સ્થિતિ કેટલી ગંભીર બની શકે તે આ ઘટનાએ દર્શાવ્યું છે.
29 વર્ષના ઓમાની કો-પાયલટ હમામ અલ હમ્મામીએ કોકપિટનો બુલેટપ્રુફ દરવાજો અંદરથી બંધ જોયો અને તરત જ પોતાનો અસલી ચહેરો બતાવ્યો. તેણે કોકપિટમાં રાખેલી ક્રેશ એક્સ કાઢીને વિમાન ઉડાવનાર ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો. સ્મિત મચ્છરની ખોપરીનું હાડકું તૂટી ગયું અને લોહી વહેવા લાગ્યું. સ્મિતની આંખોમાં અંધારા છવાઈ ગયા અને તે નીચે પડી ગયા.
આતંકી કો-પાયલટે વિમાનનું નાક સીધું જમીન તરફ વાળી દીધું. માત્ર 120 સેકન્ડમાં વિમાન 34 હજાર ફૂટથી નીચે 16 હજાર ફૂટ પર પહોંચી ગયું. કોકપિટમાં મોતની ચીસો ગુંજવા લાગી, પણ લોહીલુહાણ કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવાનું બટન દબાવી દીધું. તરત જ બહાર રહેલા પાયલટ અને મુસાફરો અંદર દોડી આવ્યા અને આતંકીને કેબલ અને ટેપથી બાંધી દીધો.
હાલ ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોનો આરોપ છે કે જ્યારે ડોક્ટર લોહીલુહાણ કેપ્ટન સ્મિતનો જીવ બચાવી રહ્યા હતા, ત્યારે ફ્લાઈટના એક કેબિન ક્રૂ સભ્યએ કેપ્ટનના મોઢામાં બળજબરીથી દવા ઠુંસવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, કેટલાક ક્રૂ સભ્યોએ આતંકીના બાંધેલા હાથ ઢીલા કરવાનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ બધી બાબતોની તપાસ ચાલી રહી છે.
આ હુમલાના મૂળિયા ઓસ્ટ્રેલિયામાં નંખાયાનું તપાસમાં જાણવા મળ્યું છે. UAE એટર્ની જનરલ હમાદ સૈફ અલ-શમ્સીના રિપોર્ટ અનુસાર, આ હુમલો કોઈ અચાનક ફાટેલો ગુસ્સો નહોતો, પણ 2017થી ચાલતું ખતરનાક મિશન હતું. 2017માં જ્યારે હમ્મામી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભણવા ગયો હતો, ત્યારે બ્રોડમીડોઝ એરિયાના માય સેન્ટર અને ઓનલાઈન આતંકી દસ્તાવેજો દ્વારા આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યાં જ તેના મગજમાં 9/11 શૈલીમાં પ્લેન ક્રેશ કરવાનો પ્લાન બન્યો. તેણે આતંકી હુમલો કરવા માટે પાયલટ બનવાનું નક્કી કર્યું.
તપાસમાં હમામ અલ-હમ્મામીએ કબૂલ્યું છે કે, "મેં સર્ચ કર્યું હતું કે કયું પ્લેન તેલ અવીવ જાય છે, અને એટલે જ મેં જાન્યુઆરી 2026માં ફ્લાયદુબઈમાં નોકરી લીધી હતી."
હમ્મામીનો ટાર્ગેટ ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટનું પેસેન્જર ટર્મિનલ હતું, જ્યાં પ્લેન અથડાવીને તે હજારો ઈઝરાયલી લોકોને મારી નાખવા માગતો હતો. આ માટે તેણે જે તૈયારીઓ કરી હતી તે જાણીને તપાસ એજન્સીઓ પણ ચક્કર ખાઈ ગઈ.
કોકપિટની સાંકડી જગ્યામાં પ્લેન ઉડાવનાર કેપ્ટનને પછાડવા માટે તેણે પ્રાઈવેટ કોચ રાખીને બોક્સિંગ શીખ્યું હતું. 30 સપ્ટેમ્બરના હુમલા પહેલા તે બેવાર ફ્લાયદુબઈની ફ્લાઈટમાં તેલ અવીવ જઈને આવ્યો હતો, જેથી તેને રનવે, હાઈવેનો રસ્તો અને ટર્મિનલના ખૂણે-ખૂણાનો નકશો મગજમાં ફિટ કરી લીધો હતો.
ફ્લાયદુબઈમાં 6 માલદીવિયન પાયલટમાંથી 2 પાયલટની ધરપકડ બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કોઈ એકલા વરુનો હુમલો નહોતો. જો કે તપાસ એજન્સીઓ આ મામલે હજુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચી નથી. 3 ઓક્ટોબરે UAE પોલીસે ફ્લાયદુબઈના જ બીજા 2 પાયલટની ધરપકડ કરી છે, જે તપાસને નવો વળાંક આપી રહી છે.