સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઈ હાઇજેક કાંડ: ઓમાની કો-પાઇલટને મંજૂરી કેમ મળી? ઇઝરાયલે UAE સામે સવાલ ઉઠાવ્યા

ફ્લાયદુબઈ હાઇજેક કાંડ: ઓમાની કો-પાઇલટને મંજૂરી કેમ મળી? ઇઝરાયલે UAE સામે સવાલ ઉઠાવ્યા

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલી હિંસક ઘટના બાદ ઇઝરાયલ અને UAE વચ્ચે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ફ્લાઇટમાં કો-પાઇલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર છરીથી હુમલો કર્યો અને વિમાનને નિયંત્રણ બહાર લઈ જઈને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો. જોકે, હુમલાનું ચોક્કસ કારણ અને કો-પાઇલટનો હેતુ હજુ તપાસ હેઠળ છે.

ફ્લાઇટમાં 174 મુસાફરો હતા. ઘટનામાં સામેલ કો-પાઇલટ ઓમાનનો નાગરિક હોવાનું ઇઝરાયલી અધિકારીઓના હવાલાથી અહેવાલોમાં જણાવાયું છે. જોકે, તેનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ તેને સાઉદી સત્તાવાળાઓએ કસ્ટડીમાં લીધો છે. આ ઘટના બાદ ઇઝરાયલમાં સૌથી મોટો સવાલ એ છે કે ઓમાન અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો ન હોવા છતાં ઓમાની નાગરિકને ઇઝરાયલ જતી ફ્લાઇટના કોકપિટ ક્રૂમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યો.

‘જેરુસલમ પોસ્ટ’ના અહેવાલ મુજબ, ઇઝરાયલમાં ફ્લાયદુબઈની કામગીરી અંગેના કરારમાં પાઇલટ એવા દેશોના હોવા જોઈએ જેમણે ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કર્યા હોય. ઓમાન આ યાદીમાં નથી. આ મુદ્દે ઇઝરાયલના પરિવહન મંત્રી મીરી રેગેવ દ્વારા ફ્લાયદુબઈની ઇઝરાયલ આવતી-જતી ફ્લાઇટ્સ રોકવાની માગ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ફ્લાઇટ દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં બંને પાઇલટ વચ્ચે અથડામણ થઈ. અહેવાલો અનુસાર, હુમલા દરમિયાન વિમાન લગભગ 30 સેકન્ડમાં 14 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. ફ્લાઇટે પહેલા સામાન્ય ઈમરજન્સી કોડ 7700 અને ત્યારબાદ ગેરકાયદેસર દખલ અથવા હાઇજેક સાથે જોડાયેલો 7500 કોડ પ્રસારિત કર્યો હતો. ઘટના દરમિયાન ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થયા હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ મુસાફરો અને ક્રૂના સભ્યોએ હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લીધો હતો. વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું અને ત્યાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.

હવે ઇઝરાયલી અને સાઉદી સત્તાવાળાઓ સહિત સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે કે હુમલા પાછળનું કારણ શું હતું અને ઓમાની નાગરિકને આ સંવેદનશીલ ફ્લાઇટના ક્રૂમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યો. ઇઝરાયલે વિદેશી એરલાઇન્સના પાઇલટોની સુરક્ષા તપાસ વધુ કડક કરવાની જાહેરાત પણ કરી છે.