સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઈ વિમાન હાઈજેક કાવતરાનો ઈરાનનો દાવો: નેતન્યાહૂ પર આરોપ, ટ્રમ્પની ચેતવણી

ફ્લાયદુબઈ વિમાન હાઈજેક કાવતરાનો ઈરાનનો દાવો: નેતન્યાહૂ પર આરોપ, ટ્રમ્પની ચેતવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ ઈરાની મીડિયાએ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં થયેલી ઘટના અંગે મોટો દાવો કર્યો છે. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, ઈઝરાયલ તરફ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટના પાછળ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાનની પૂર્વ-આયોજિત સાજીશ હોઈ શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કથિત ષડયંત્રનો મુખ્ય હેતુ 7 ઓક્ટોબરના હમાસ હુમલા અંગે વધી રહેલા સવાલોથી લોકોનું ધ્યાન ભટકાવવાનો, 27 ઓક્ટોબરની ઈઝરાયલી ચૂંટણી પહેલા નેતન્યાહૂની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો તેમજ ઈરાન સામે નવા સંઘર્ષનું બહાનું ઊભું કરવાનો હોઈ શકે છે.

આ આરોપ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો ફ્લાયદુબઈ વિમાનના કો-પાયલટ અને ઈરાન વચ્ચે કોઈ જોડાણ સામે આવશે, તો ઈરાન વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકા આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે અને પ્રાથમિક માહિતી મુજબ તેમાં ઈરાનની ભૂમિકા હોઈ શકે છે. જોકે તેમણે આ અંગે કોઈ વિગતવાર ખુલાસો કર્યો નથી.

શું હતી ફ્લાયદુબઈ વિમાનની ઘટના? UAEથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ઓમાની કો-પાઈલટે કથિત રીતે કેપ્ટન પર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેના કારણે વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. વિમાનમાં સવાર મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બરોએ કોકપીટમાં પહોંચીને કો-પાઈલટને કાબૂમાં લીધો હતો અને વિમાનને સંભાળ્યું હતું. આ વિમાનમાં 182 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના ઈઝરાયલી નાગરિકો હતા. આ હુમલામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પણ ઘાયલ થયા હતા અને બાદમાં અબુ ધાબીમાં તેમની સારવાર કરવામાં આવી હતી. વિમાને સાઉદી અરેબિયાના તબુક શહેરમાં સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

ફ્લાઇટ રડારના ડેટા અનુસાર, વિમાનના કોકપીટમાંથી બે ઈમરજન્સી કોડ મોકલવામાં આવ્યા હતા. પહેલો કોડ 7700 મોકલવામાં આવ્યો હતો જે સામાન્ય કટોકટી સિગ્નલ છે અને ત્યારબાદ 7500 કોડ મોકલવામાં આવ્યો હતો જે વિમાનમાં ગેરકાયદે દખલ કે હાઈજેકિંગની સંભાવના દર્શાવે છે. અહેવાલો મુજબ, વિમાન 33 હજાર ફૂટની ઉંચાઈથી માત્ર એક જ મિનિટમાં આશરે 17 હજાર ફૂટ સુધી નીચે આવી ગયું હતું.

આ મામલે ઈઝરાયલી ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ સાઉદી અરેબિયામાં ચાલી રહેલી તપાસમાં મદદ કરી રહ્યા છે અને ઈઝરાયલે કો-પાઈલટને પૂછપરછ માટે પોતાના દેશમાં મોકલવાની માંગ પણ કરી છે. બીજી તરફ, UAEએ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે કે આ હુમલા પાછળ કોઈ આતંકવાદી હેતુ હતો કે નહીં. વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઓમાની કો-પાઈલટ ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત હતો, જોકે આ મામલે ઈરાનની ભૂમિકા વિશે હાલ કંઈપણ કહેવું વહેલું ગણાશે.