સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઈ વિમાનમાં હાઇજેક કોડ: ઇઝરાયલની સખત ચેતવણી, દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ્સ રોકવાની માંગ

ફ્લાયદુબઈ વિમાનમાં હાઇજેક કોડ: ઇઝરાયલની સખત ચેતવણી, દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ્સ રોકવાની માંગ

દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 180 મુસાફરો સવાર હતા. હવામાં વિમાનમાંથી એક ખાસ કોડ પ્રસારિત થયો, જે સામાન્ય રીતે હાઇજેકિંગ અથવા ગેરકાયદે ઘૂસણખોરીનો સંકેત આપે છે. આ કારણે ખળભળાટ મચી ગયો અને વિમાનનું સાઉદી અરેબિયાના તબુક ઍરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

પ્રાથમિક માહિતી મુજબ, વિમાનમાં કોઈ બહારના આતંકી તત્વો ઘૂસ્યા ન હતા. ઇઝરાયલી મીડિયાના અહેવાલોમાં કહેવાયું છે કે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે કોકપિટમાં ઝઘડો અને મારામારી થઈ હતી. આ ઘટનાને લઈને ઇઝરાયલ સરકારે આકરો વલણ અપનાવ્યો છે.

ઇઝરાયલના નાણામંત્રી બેઝલેલ સ્મોટ્રિચે કહ્યું કે ઘટનાના પરિણામ પર નહીં, પરંતુ તેની પાછળના ઇરાદા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જે દોષિત જણાશે તેની સામે આકરાં પગલાં લેવાશે. તેમણે કહ્યું કે 180 નિર્દોષ ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવાનો પ્રયાસ કરનારને હત્યારાની જેમ જ સજા મળવી જોઈએ. પાછળ કોઈ દેશ હોય કે આતંકી સંગઠન, કોઈને છોડવામાં નહીં આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયલ પોતાના દુશ્મનોને શોધી-શોધીને ખતમ કરશે.

ઇઝરાયલના ટ્રાન્સપોર્ટ મંત્રી મિરી રેગેવે દુબઈથી તેલ અવીવ આવતી ફ્લાયદુબઈની તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક રોકી દેવાની માંગ કરી છે. તેમણે સમગ્ર મામલાની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ટ્રાન્સપોર્ટ મંત્રીએ સિવિલ એવિએશન ઓથોરિટીને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે થયેલા હવાઈ સેવા કરારનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દ્વિપક્ષીય કરાર હેઠળ માત્ર એવા દેશોના પાઇલટ્સને ઇઝરાયલની ધરતી પર વિમાન લેન્ડ કરવાની કાનૂની પરવાનગી મળે છે, જેમના ઇઝરાયલ સાથે સત્તાવાર રાજદ્વારી સંબંધો હોય.

બોઈંગ 737 મેક્સ 8 વિમાને હવામાં અચાનક 77000 સ્ક્વોક કોડ મોકલ્યો હતો, જે સામાન્ય કટોકટીનો સંકેત આપે છે. ગણતરીની સેકન્ડો બાદ વિમાનમાંથી 7500 કોડ પ્રસારિત કરાયો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાન હાઇજેક થયાની અથવા ગેરકાયદે હસ્તક્ષેપની પુષ્ટિ કરે છે. આ ઍલર્ટ બાદ વિમાનનો રૂટ બદલીને તબુક ઍરપોર્ટ પર સલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

સ્થાનિક મીડિયાના અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે એક પાઇલટે લગભગ 30,000 ફૂટની ઊંચાઈએથી વિમાનને અચાનક નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને બીજા સતર્ક પાઇલટે રોક્યો. જોકે, આ સંવેદનશીલ દાવાઓની સત્તાવાર રીતે સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.