દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં આકાશમાં અત્યંત ભયાનક ઘટના બની છે. ઈઝરાયલના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાનના એક પાયલટે વિમાનને હાઈજેક કરીને જમીન પર ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે પાયલટે પોતાના સાથી કો-પાયલટ પર ચાકુ વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો.
વિમાનમાં 100થી વધુ ઈઝરાયલી નાગરિકો સવાર હતા. ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ મોસાદ, શિન બેટ અને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નું પ્રાથમિક તારણ છે કે આ એક સુનિયોજિત આતંકવાદી કાવતરું હતું.
ધ જેરૂસલેમ પોસ્ટના અહેવાલ અનુસાર, હવામાં ઉડાન દરમિયાન જ્યારે એક પાયલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા માટે બીજા પાયલટ પર ચાકુથી હુમલો કર્યો, ત્યારે વિમાન અચાનક લગભગ 4,000 મીટર નીચે આવી ગયું હતું. વિમાનમાંથી પહેલાં સામાન્ય ઈમરજન્સી દર્શાવતો સ્ક્વોક કોડ 7700 મોકલાયો હતો. થોડીવાર બાદ તેને બદલીને ગેરકાયદેસર હસ્તક્ષેપ અથવા હાઈજેકિંગ દર્શાવતો સ્ક્વોક કોડ 7500 મોકલવામાં આવ્યો હતો અને પાછળથી ફરી મૂળ કોડ લાગુ કરાયો હતો.
પ્રત્યક્ષદર્શી યાસ્મિન અબુ કાસિસ નામની મહિલાએ જણાવ્યું કે તેમની પુત્રી મિરિયમ પ્લેનમાં હાજર હતી. પુત્રીએ ફોન પર જણાવ્યું હતું કે કોકપિટમાંથી જોરજોરથી ચીસો સંભળાઈ રહી હતી અને એક વ્યક્તિએ ચાકુથી પાયલટ પર હુમલો કરીને તેને જમીન પર પટકી દીધો હતો, જેના કારણે ચારેય તરફ લોહી ફેલાઈ ગયું હતું.
જ્યારે વિમાન ભયાનક ડાઈવ લઈ રહ્યું હતું, ત્યારે આગળની હરોળમાં બેઠેલા કેટલાક ઈઝરાયલી મુસાફરો સીધા કોકપિટ તરફ દોડ્યા હતા. પાછળની સીટ પર બેઠેલા અન્ય બે પાયલટ શરૂઆતમાં આઘાતમાં સરી પડ્યા હતા. એક મુસાફરે તેમને બૂમ પાડીને પ્લેનનું નિયંત્રણ લેવા કહ્યું હતું. મુસાફરોએ ભેગા મળીને ચાકુબાજ હુમલાખોરને કોકપિટની બહાર ખેંચી કાઢ્યો અને અન્ય પાયલટોને અંદર મોકલી પ્લેનનું નિયંત્રણ સોંપ્યું. મુસાફરો અને અન્ય ફ્લાઇટ ક્રૂની બહાદુરીના કારણે હુમલાખોરને કાબૂમાં લઈ લેવાયો અને એક મોટી વૈશ્વિક હોનારત ટળી ગઈ.
ચાકુના હુમલાનો ભોગ બનેલા પાયલટની હાલત અત્યંત નાજુક હતી. ફ્લાઈટમાં હાજર એક મુસાફરે તાત્કાલિક મેડિકલ સહાય આપીને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ વિમાનને સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડ કરાયું હતું.
ઘટનાની ગંભીરતા જોતાં ઈઝરાયલનું સમગ્ર સુરક્ષા તંત્ર એક્શનમાં આવી ગયું હતું. વાયુસેનાએ તરત જ પોતાના ફાઈટર જેટ્સ આકાશમાં તૈનાત કર્યા હતા. ઈઝરાયલની એરસ્પેસ થોડા સમય માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી, જે બાદમાં ફરી ખોલવામાં આવી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત પરત લાવવા તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ઈઝરાયલના સંરક્ષણ દળોના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કરી દીધો હતો. સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝ મુસાફરોને લાવવા સૈન્ય વિમાન મોકલવા પર પણ વિચાર કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, હુમલાખોરની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે.