સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઈ હાઇજેક કાવતરું: નેતન્યાહૂએ કહ્યું- કો-પાઇલટનું બ્રેનવોશ કરાયું હતું

ફ્લાયદુબઈ હાઇજેક કાવતરું: નેતન્યાહૂએ કહ્યું- કો-પાઇલટનું બ્રેનવોશ કરાયું હતું

દુબઈથી ઇઝરાઇલ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં હાઇજેકનો પ્રયાસ થયો હતો. આ ઘટનામાં ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે હુમલો કરનાર કો-પાઇલટનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું અને તે કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાથી પ્રેરિત હતો. નેતન્યાહૂએ જણાવ્યું કે ઓમાની મૂળના આ કો-પાઇલટ ખુલ્લેઆમ યહૂદીવિરોધી વાતો કરતો હતો. પકડાયા બાદ તે ‘મને મારી નાખો’ એવી બૂમો પાડી રહ્યો હતો.

હુમલાખોર સાથે કામ કરી ચૂકેલા એક પાઇલટે પણ તેના કટ્ટરપંથી વિચારોની પુષ્ટિ કરી છે. ઇઝરાઇલી ન્યૂઝ ચેનલ 16 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આરોપી મહિલાઓ સાથે હાથ પણ મિલાવતો નહોતો. સહકર્મીએ આરોપ મૂક્યો કે કંપનીએ આતંકવાદીને નોકરીએ રાખ્યો, જેથી લગભગ 180 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. ચેનલે સહકર્મીની ઓળખ જાહેર કરી નથી.

ઘટના દરમિયાન ઓમાની કો-પાઇલટે કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો અને વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે વિમાન થોડી જ મિનિટોમાં હજારો ફૂટ નીચે આવી ગયું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટને કોકપિટનો દરવાજો ખોલ્યો, ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે આરોપીને કાબૂમાં લીધો. અન્ય પાઇલટોએ વિમાન સંભાળીને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. હુમલાનું કારણ જાણવા તપાસ ચાલુ છે. ઘાયલ કેપ્ટનને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

હવે એ સવાલ ઊભો થયો છે કે કોકપિટમાં હથિયાર કેવી રીતે પહોંચ્યું. એક ઇઝરાઇલી અધિકારીને પૂછવામાં આવ્યું કે શું હુમલામાં વપરાયેલી વસ્તુ આગ ઓલવવા કે કટોકટી માટે રાખવામાં આવેલા ઉપકરણોમાંથી એક હતી, પરંતુ અધિકારીએ પુષ્ટિ કરી નહીં. તેમણે કહ્યું કે તે વસ્તુ કટોકટીના સાધન સાથે જોડાયેલી હતી કે નહીં, તેની તેમને જાણકારી નથી. આરોપીની સુરક્ષા તપાસમાં ચૂક થઈ હતી કે નહીં, તે હજુ સ્પષ્ટ થયું નથી.

મીડિયા અહેવાલો અનુસાર, આરોપીએ લગભગ 9 મહિના પહેલાં ફ્લાયદુબઈમાં નોકરી શરૂ કરી હતી. ઓમાનના એક અધિકારીએ અમેરિકન ન્યૂઝ ચેનલ CBSને આ વાતની પુષ્ટિ કરી હતી. આરોપીનું નામ જાહેર કરાયું નથી. ઘટના બાદ એ સવાલ પણ ઊઠ્યો કે ઇઝરાઇલ અને ઓમાન વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો ન હોવા છતાં આરોપીને ઇઝરાઇલ જતી ફ્લાઇટમાં ડ્યૂટી કેવી રીતે મળી.

ઓમાની પાઇલટના હુમલા બાદ ઇઝરાઇલની વિમાન સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ન્યૂઝ ચેનલ 12ના અહેવાલ મુજબ, પ્રતિબંધ હોવા છતાં આ પહેલાં પણ ઘણા ઓમાની પાઇલટ તેલ અવીવ પહોંચ્યા હતા. ઇઝરાઇલે પાઇલટોની સુરક્ષા તપાસની જવાબદારી વિદેશી એરલાઇન્સ પર છોડી રાખી હતી. અહેવાલ મુજબ ઇઝરાઇલની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટે ફ્લાયદુબઈના પાઇલટ્સની પૃષ્ઠભૂમિની તપાસ કરી ન હતી. શિન બેટે ફ્લાયદુબઈને પ્રતિબંધિત દેશોના પાઇલટ્સને તૈનાત ન કરવા કહ્યું હતું. હુમલા બાદ પરિવહન મંત્રાલય અને વિમાન સુરક્ષા પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવશે.

આરોપી ઓમાની પાઇલટને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. સાઉદી અધિકારીઓએ તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ આરોપીને કસ્ટડીમાં લઈને પ્રાથમિક પૂછપરછ કરી હતી. ત્યારબાદ ગુરુવારે સવારે તેને UAE મોકલી દેવાયો હતો. હવે UAEની ન્યાયિક એજન્સીઓ આ મામલાની તપાસ કરશે. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ છે કે ઉડાન દરમિયાન કો-પાઇલટે કેપ્ટન પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને પાઇલટ્સ ઘાયલ થયા હતા.

UAEના અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરશે કે કોકપિટમાં ઝપાઝપી કઈ પરિસ્થિતિમાં થઈ અને શું કો-પાઇલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો અથવા તેને જાણીજોઈને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. UAE આ હુમલો આતંકવાદ સાથે જોડાયેલો હતો કે તેની અગાઉથી યોજના બનાવવામાં આવી હતી, તેની તપાસ કરી રહ્યું છે. ઇઝરાઇલના રક્ષા મંત્રી ઇઝરાઇલ કાત્ઝે આ ઘટનાને ‘જિહાદી આતંકવાદી હુમલો’ ગણાવ્યો હતો.