યુએઈથી ઈઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બે પાયલટો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો. કો-પાયલટે ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો. સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા છતાં, રિલીફ પાયલટ અને મુસાફરોની મદદથી સાઉદી અરેબિયાના તબૂક શહેરમાં 180 મુસાફરો ભરેલા વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું. હુમલો કરનાર પાયલટની ધરપકડ થઈ છે.
આ ઘટના ગઈકાલે સવારે લગભગ 8:20 વાગ્યે બની, જ્યારે વિમાન અચાનક ઝડપથી નીચે જવા લાગ્યું. માત્ર બે મિનિટમાં પ્લેન 17,400 ફૂટ નીચે આવી ગયું. આથી 180 મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ અને તેમને લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે. જોકે, સમયસર પ્લેન પર નિયંત્રણ મેળવી લેવાયું અને તબૂકમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
કોકપિટમાંથી 'બચાવો-બચાવો'ના અવાજો સાંભળીને મુસાફરો મદદ માટે આગળ આવ્યા અને હુમલાખોરને કોકપિટમાંથી બહાર કાઢ્યો. પ્લેનમાં પાછળ બેઠેલા બે રિલીફ પાયલટોએ મુસાફરોની મદદથી સ્થિતિ સંભાળી અને પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
કોકપિટમાં બે પાયલટો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. એક પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે હુમલો કર્યો, જેમાં સ્મિતને ગંભીર ઈજા પહોંચી. હુમલામાં ઘાયલ સ્મિતની સારવાર પ્લેનમાં જ હાજર એક ડેન્ટિસ્ટ મુસાફરે કરી.
ઈઝરાયલી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું આ ઈઝરાયલીઓ પર હુમલાનો પ્રયાસ હતો. દક્ષિણપંથી વિચારધારા ધરાવતા બે મંત્રીઓએ આને નિષ્ફળ બનાવવામાં આવેલો આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિરે કહ્યું કે એક 'આતંકવાદી' વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરીને તેમાં સવાર ઈઝરાયલીઓનો જીવ લેવા માગતો હતો. ઈઝરાયલી પીએમએ કહ્યું કે હુમલો કરનાર પાયલટની ધરપકડ કરવામાં આવી છે અને સાઉદી અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.