દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ (FZ1073)માં 35,000 ફૂટની ઊંચાઈએ એક ડરામણી ઘટના બની. ઓમાની કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કરીને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ તેમની હિંમત અને મુસાફરોની બહાદુરીને કારણે સેંકડો લોકોના જીવ બચી ગયા.
આ ફ્લાઇટમાં 6 વર્ષની નીના અને તેના માતા-પિતા પણ સવાર હતા. ઉડાન દરમિયાન નીનાને ટૉયલેટ જવું હોવાથી તેની માતા તાલી માનેસ તેને કૉકપિટ પાસે લઈ ગઈ હતી. તે જ ક્ષણે કૉકપિટની અંદર કો-પાયલટ કેપ્ટન પર ચાકુથી હુમલો કરી રહ્યો હતો. કૉકપિટનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી તાલીએ અંદરનું ભયાનક દ્રશ્ય જોયું અને જોર-જોરથી બૂમો પાડવા લાગી, 'તે પાયલટને ચાકુ મારી રહ્યો છે, કોઈ મદદ માટે આવો!'
તે જ સમયે હુમલાખોરે વિમાનને અચાનક નીચેની તરફ હંકારી મૂકતા પ્લેનમાં ગભરાટ ફેલાઈ ગયો. આ અચાનક ગોતા ખાતા વિમાનને જોઈને નીના અને તેની બહેન ભયથી ધ્રૂજવા લાગ્યા. નીનાએ તેના પિતાને કહ્યું, 'પપ્પા, અમે મરવા માંગતા નથી!' બાળકોની આ ચીખ સાંભળીને પિતા જ્વિકા માનેસ અને અન્ય મુસાફરો પોતાના જીવની પરવા કર્યા વગર દોડી આવ્યા.
હુમલાખોરે કેપ્ટન સ્મિત મચ્છર પર અનેક ચાકુના ઘા માર્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને લોહીથી લથપથ ફ્લોર પર પડી ગયા હતા. તેમ છતાં, તેમણે પોતાની હિંમત અને સૂઝબૂઝ ગુમાવી નહીં. ફ્લોર પર પડેલી હાલતમાં જ કેપ્ટને હિંમત કરીને કૉકપિટનું ઇમરજન્સી લોક રિલીઝ બટન દબાવી દીધું. દરવાજો ખુલતાની સાથે જ બહાર ઊભેલા મુસાફરો અંદર કૂદી પડ્યા અને હુમલાખોરને દબોચી લીધો.
કૉકપિટનો દરવાજો ખુલતા જ મુસાફરોએ અદ્ભુત સાહસ દાખવ્યું. વિમાનમાં સવાર પ્લંબર યાનિવ હયુને પાછળથી હુમલાખોર કો-પાયલટને પકડીને તેને ખતરનાક 'ચોકહોલ્ડ'માં જકડી લીધો. આ જ દરમિયાન વિમાનમાં ઉપસ્થિત ડેન્ટિસ્ટ આસિફ રજુઆને તુરંત જ આગળ આવીને ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરને પ્રાથમિક સારવાર આપી અને તેમના શરીરમાંથી વહેતા લોહીને રોક્યું.
આ દુર્ઘટનાને ટાળીને વિમાનને સુરક્ષિત તેલ અવીવમાં લેન્ડ કરાવનાર આ બહાદુર નાગરિકોની વીરતાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ સાહસિક કામગીરી બદલ ઈઝરાયલના પ્રમુખ ઇસાક હર્ઝોગે જાહેરાત કરી છે કે તેઓ આ ત્રણેય નાગરિકો—યાનિવ હયુન, જ્વિકા માનેસ, અને આસિફ રજુઆનને દેશના પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્શિયલ અવોર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝ્મ'થી સન્માનિત કરશે.