ફ્લાયદુબઈની કોકપિટ ઘટના અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલા પાછળ જે પણ હશે, તેને ભારે કિંમત ચૂકવવી પડશે. તપાસકર્તાઓ માને છે કે હુમલાખોર ઇસ્લામિક કટ્ટરપંથી ભાવનાથી પ્રભાવિત હતો અને તેનો ઇરાદો વિમાનને ક્રેશ કરવાનો હતો. નેતન્યાહૂએ કહ્યું કે 11 સપ્ટેમ્બર જેવી મોટી દુર્ઘટના ટળી છે. યુએઈ અને ઈઝરાયલ બંનેએ આને ત્રાસવાદી કૃત્ય ગણાવ્યું છે.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું કે જેમ-જેમ સમય વીતી રહ્યો છે, તેમ-તેમ ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. કેપ્ટન યાનીવ અને તેના બહાદુર મિત્રોએ 11 સપ્ટેમ્બર જેવી મોટી તબાહી રોકી છે. હુમલાખોર ઇસ્લામિક કટ્ટરપંથથી પ્રભાવિત હતો અને મુસાફરો સાથે વિમાનને ક્રેશ કરવા આવ્યો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું તેને મોકલવામાં આવ્યો હતો. જેણે પણ તેને મોકલ્યો છે, તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.
આ પહેલાં યુએઈના પ્રેસિડેન્ટ એડવાઈઝર અન્વર ગર્ગશે બુધવારે થયેલી આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારે આતંકવાદી જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્ટન સ્મિત મછારની પ્રશંસા કરતા કહ્યું કે પાયલટે સંભવિત મોટી દુર્ઘટના રોકીને સાહસ અને જવાબદારીનો સાચો અર્થ બતાવ્યો છે. તેમણે અટકળો અને કાવતરાની થીયરીઓથી બચવાની સલાહ પણ આપી.
બીજી તરફ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે આ ઘટનાને જિહાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો હતો. નેતન્યાહૂએ ઘટનાના તુરંત બાદ કહ્યું હતું કે તપાસકર્તાઓ એ પણ તપાસી રહ્યા છે કે શું આ હુમલામાં ઈરાનનો કોઈ હાથ હતો. પરંતુ તેમણે એ પણ કહ્યું કે અત્યારે કોઈ પણ તારણ પર પહોંચવું ઉતાવળિયું ગણાશે.
યુએઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી બોઇંગ 737 MAX 8 ફ્લાઇટમાં ઉડાન ભર્યાના અંદાજે 2.5 કલાક બાદ આ ગંભીર ઘટના બની હતી. કોપાયલટ (ઓમાની નાગરિક)એ અચાનક ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. જેના કારણે વિમાન 33,000 ફૂટની ઊંચાઈથી માત્ર 1 મિનિટમાં 17,000 ફૂટ પર આવી ગયું હતું. કોકપિટમાંથી કટોકટીના સંકેત માટે 7700 અને હાઇજેકિંગ માટે 7500 જેવા કોડ મોકલવામાં આવ્યા હતા. લોહીથી લથબથ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે દરવાજો ખોલતા મુસાફરો અને ટ્રેઇની ક્રૂ સભ્યોએ હસ્તક્ષેપ કરીને કોપાયલટને કાબૂમાં લીધો હતો અને વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.