સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઈ વિમાન હુમલો: કોકપિટમાં લોહી, તૂટેલું રડર અને 45 મિનિટની અફવા — બે પાઇલટે કેવી રીતે 200થી વધુ જીવ બચાવ્યા

ફ્લાયદુબઈ વિમાન હુમલો: કોકપિટમાં લોહી, તૂટેલું રડર અને 45 મિનિટની અફવા — બે પાઇલટે કેવી રીતે 200થી વધુ જીવ બચાવ્યા

દુબઈથી ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનમાં કોકપિટની અંદર થયેલા હુમલા પછી વિમાનને સુરક્ષિત રીતે ઉતારનારા બે પાઇલટના નામ હજુ સુધી જાહેર થયા નથી. ઘટનાના ત્રણ દિવસ પછી પણ એરલાઇને માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ ક્રૂ મેમ્બર હતા અને તે સમયે મુસાફરોની જેમ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

એસોસિયેટેડ પ્રેસ (AP) અનુસાર, વિમાનનું નિયંત્રણ સંભાળ્યા પછી પણ બંને પાઇલટોએ લગભગ 45 મિનિટ સુધી મુસાફરોને કંઈ જણાવ્યું નહોતું. આથી મુસાફરોમાં ડર વધી ગયો હતો. તેમને ખબર નહોતી કે કોકપિટમાં કોણ છે અને વિમાનને ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે. કેટલાક મુસાફરોને શંકા હતી કે વિમાનને હાઈજેક કરીને ઈરાન તરફ લઈ જવામાં આવી રહ્યું છે.

લગભગ 45 મિનિટ પછી પાઇલટોએ જાહેરાત કરી કે વિમાન સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવશે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારબાદ મુસાફરોને થોડો વિશ્વાસ થયો.

વિમાનમાં આગળ બેઠેલા મુસાફર ડેનિયલ શ્લિક્ટરે APને જણાવ્યું કે કોકપિટમાંથી ચીસાચીસના અવાજ આવતાં મુસાફરોને ખબર પડી કે ત્યાં કંઈક ગંભીર બન્યું છે. તેમના જણાવ્યા મુજબ, કો-પાઇલટ કેપ્ટન પર સતત હુમલો કરી રહ્યો હતો. કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કોકપિટમાં લોહી ફેલાઈ ગયું હતું. તેમ છતાં કેપ્ટને કોકપિટનો દરવાજો ખોલી દીધો. એક મુસાફરે કો-પાઇલટને પકડીને બહાર ખેંચી લીધો અને બાકીના મુસાફરોએ તેને કાબૂમાં લેવામાં મદદ કરી.

આ દરમિયાન વિમાનમાં મુસાફરી કરી રહેલા એક વધારાના પાઇલટ ઝડપથી કોકપિટમાં પહોંચ્યા અને નિયંત્રણ સંભાળી લીધું. શ્લિક્ટરના જણાવ્યા મુજબ, થોડી જ વારમાં બીજા પાઇલટ પણ કોકપિટમાં પહોંચી ગયા અને બંનેએ દરવાજો બંધ કરી દીધો.

વિમાન સાઉદી અરેબિયામાં ઉતર્યા બાદ ઘાયલ કેપ્ટનને સારવાર માટે લઈ જવામાં આવ્યા.

શરૂઆતમાં મુસાફરોને ખબર નહોતી કે આ બંને પાઇલટ વિમાનમાં શા માટે હાજર હતા. બાદમાં જાણવા મળ્યું કે તેલ અવીવથી દુબઈ પરત ફરતી ફ્લાઇટ ઉડાવવાની હતી, તેથી તેઓ પહેલેથી જ મુસાફરોની જેમ વિમાનમાં હાજર હતા. એવિએશન ક્ષેત્રમાં આ પ્રકારની મુસાફરીને 'ડેડહેડિંગ' કહેવામાં આવે છે.

બંને પાઇલટ કોકપિટમાં પહોંચ્યા બાદ વિમાનને સ્થિર કરવામાં આશરે 10 મિનિટ કે તેનાથી વધુ સમય લાગ્યો. તે પહેલાં વિમાન એટલી ઝડપથી નીચે આવી રહ્યું હતું કે તેના રડરનો એક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પાઇલટોએ મેડે કોલ કર્યો અને સુરક્ષિત લેન્ડિંગ માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું. બાદમાં વિમાનને તબુકમાં ઉતારવામાં આવ્યું.

વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ શ્લિક્ટરે બંને પાઇલટની પ્રશંસા કરી હતી અને સમગ્ર ઘટનાને ચમત્કાર ગણાવી હતી. તેમણે કહ્યું કે સૌપ્રથમ કોકપિટમાં પહોંચેલા પાઇલટે સમય ગુમાવ્યા વિના પરિસ્થિતિ સમજી લીધી અને નિયંત્રણ સંભાળી લીધું. મુસાફરોના જીવ બચાવવામાં આ બંને પાઇલટની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી.

અગાઉના અહેવાલ મુજબ, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી હતી અને તેમને ભારત તથા ઇઝરાયલના સાચા હીરો ગણાવ્યા હતા. નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ઇઝરાયલ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.