ફ્લાયદુબઈની એક ફ્લાઇટમાં કો-પાઇલોટે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો હતો, જેના કારણે વિમાનમાં સવાર 100થી વધુ મુસાફરોનું જીવન જોખમમાં મુકાયું હતું. જોકે, એ જ વિમાનમાં મુસાફરી કરી રહેલા બે પાઇલોટ્સે સમયસૂચકતા દાખવીને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.
ઘટનાના ત્રણ દિવસ પછી પણ આ બંને પાઇલોટ્સની ઓળખ જાહેર થઈ નથી. ફ્લાઇટમાં બીજા ક્રમે બેઠેલા મુસાફર ડેનિયલ શ્લિખ્તરે જણાવ્યું કે કોકપિટમાંથી ચીસાચીસના અવાજો આવી રહ્યા હતા. કો-પાઇલોટ હમામ અલ-હમામી કેપ્ટન સ્મિત મચ્છાર પર સતત હુમલો કરી રહ્યો હતો અને કોકપિટમાં ચારે તરફ લોહી વિખરાયેલું હતું.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત ન હારી અને કોકપિટનો દરવાજો ખોલી દીધો. દરવાજો ખુલતાં જ મુસાફરોએ સમયસૂચકતા વાપરીને હુમલાખોર કો-પાઇલોટને બહાર ખેંચી લીધો અને તેને કાબૂમાં લેવાની કોશિશ શરૂ કરી.
હુમલાખોરને કાબૂમાં લેવાની મથામણ ચાલી રહી હતી ત્યારે જ વિમાનમાં પ્રવાસી તરીકે મુસાફરી કરી રહેલા એક વધારાના પાઇલોટે ભીડ પરથી કૂદીને સીધો કોકપિટમાં પ્રવેશ કર્યો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું.
આ બંને પાઇલોટ્સ તે જ વિમાનમાં પ્રવાસી તરીકે મુસાફરી કરી રહ્યા હતા, કારણ કે તેમણે તેલ અવીવથી વિમાન પાછું દુબઈ લાવવાનું હતું. મુસાફરના જણાવ્યા મુજબ, આ બે પાઇલોટ્સનું વિમાનમાં હોવું કોઈ ચમત્કારથી કમ નહોતું.
હુમલા દરમિયાન વિમાનનું રડર (Rudder) ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને વિમાન ખૂબ ઝડપથી નીચે તરફ પડી રહ્યું હતું. બંને પાઇલોટ્સને વિમાનને હવામાં સ્થિર કરવામાં 10 મિનિટથી પણ વધુ સમય લાગ્યો, જે મુસાફરો માટે અત્યંત ભયાનક હતો.
વિમાન સ્થિર થયા પછી પણ પાઇલોટોએ શરૂઆતમાં મુસાફરો સાથે કોઈ વાતચીત ન કરી. આથી પ્રવાસીઓમાં ડર પેદા થયો કે રખેને કોઈ આ વિમાનને હાઇજેક કરીને ઈરાન તરફ તો નથી લઈ જઈ રહ્યું ને.
લગભગ 45 મિનિટના ભયાનક સસ્પેન્સ પછી પાઇલોટ્સે એનાઉન્સમેન્ટ કર્યું કે વિમાન સઉદી અરેબિયાના તબુક (Tabuk) એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ રહ્યું છે. આખરે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં જ સૌએ રાહતનો શ્વાસ લીધો.
ફ્લાયદુબઈ ઘટના બાદ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે વાત કરી છે. પરંતુ વિમાનને તબુક સુધી ઉડાડીને લાવનાર બે વધારાના પાઇલોટ્સના નામ ફ્લાયદુબઈએ હજુ સુધી જાહેર કર્યા નથી, જેથી તેમની ઓળખ રહસ્ય બની રહી છે.