સત્ય. સાહસ. સંકલ્પ.

33,000 ફીટ ઉપર કોકપિટમાં હુમલો: ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર અને 4 મુસાફરોએ 174 લોકોના જીવ બચાવ્યા

33,000 ફીટ ઉપર કોકપિટમાં હુમલો: ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર અને 4 મુસાફરોએ 174 લોકોના જીવ બચાવ્યા

દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 174 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. વિમાનમાં 27 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 174 લોકો સવાર હતા. વિમાન 33 હજાર ફીટની ઊંચાઈ પર હતું ત્યારે ઓમાની મૂળના કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

કેપ્ટન સ્મિત મચ્છરના માથા અને હાથ પર ગંભીર ઘા વાગ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પણ તેમણે હિંમત દાખવીને હુમલાખોરને લડત આપી અને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો અંદર આવી શકે. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.

કેપ્ટન સ્મિતની પ્રશંસા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કરી છે. હાલમાં સ્મિત મચ્છર સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કેપ્ટને દરવાજો ખોલતા જ વિમાનના 4 ઈઝરાયલી મુસાફરો કોકપિટ તરફ દોડ્યા. આ લોકોએ ભેગા મળીને હુમલાખોર કો-પાયલટને રોક્યો. આ સમય દરમિયાન ઓફ-ડ્યુટી અન્ય બે પાયલટોએ વિમાનનું કંટ્રોલ પોતાના હાથમાં લીધું અને સાઉદી અરેબિયાના એક નાના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

વ્યવસાયે પ્લમ્બર એવા યાનિવ હાયુન જ્યારે કોકપિટમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હુમલાખોર કો-પાયલટ બે સીટોની વચ્ચે બેસીને વિમાનની કંટ્રોલ સિસ્ટમને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યાનિવે જરાય ડર્યા વિના હુમલાખોરનું ગળું દબાવ્યું અને તેને પકડીને સિસ્ટમથી દૂર ખેંચી લીધો. તેમણે વિમાનના કંટ્રોલને પાછળ ખેંચીને નીચે તરફ ઝૂકી ગયેલા વિમાનને સીધું કર્યું.

વીમા એજન્સીના માલિક અને વેપારી અસફ રાજુઆન થાઈલેન્ડમાં વેકેશન માણીને પરત ફરી રહ્યા હતા. વિમાન ધરતી તરફ ધસમસવા લાગ્યું ત્યારે તેમને મુસાફરોની ચીસો સંભળાવા લાગી. અસફ દોડીને કોકપિટમાં ઘૂસ્યા અને ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો. વિમાનનું લેન્ડિંગ થયું ત્યાં સુધી સળંગ 50 મિનિટ સુધી તેમણે હુમલાખોરને ફર્શ પર દબાવી રાખ્યો હતો.

બેંક લ્યુમીના અંડરરાઈટિંગ કંપનીના સીઈઓ ઝ્વિકા મેનેસ પણ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. હુમલાખોર શારીરિક રીતે ખૂબ મજબૂત હતો અને પ્લેન ક્રેશ કરવા માટે એની પૂરી તાકાત લગાવી રહ્યો હતો. ઝ્વિકાએ શારીરિક બળ વાપરીને તેને રોક્યો અને ફ્લાઇટમાં આપવામાં આવેલા મલ્ટીમીડિયા હેડફોનના વાયરનો ઉપયોગ કરીને હુમલાખોરને મજબૂતીથી બાંધી દીધો.