દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં કેપ્ટન સ્મિત મચ્છર પર ચપ્પુ વડે હુમલો કરી વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કરનારા કો-પાઈલટની ઓળખ હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે. આ ઘટના બુધવારે બની હતી અને ત્રણ દિવસ બાદ શનિવારે તેનો ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હમામ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો. આ કારણોસર ઓમાને અગાઉથી તેના પર વિમાન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં ફ્લાયદુબઈ એરલાઈન્સે તેને નોકરી પર રાખ્યો અને UAE તથા ઈઝરાયેલ જેવા સંવેદનશીલ રૂટ પર વિમાન ઉડાડવાની જવાબદારી સોંપી.
બુધવારે બનેલી ઘટના બાદ ગુરુવારે સાઉદી અરેબિયાએ શકમંદ કો-પાઈલટને UAEને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલની તપાસ એજન્સીઓ અને તપાસકર્તાઓ UAE પહોંચીને આ કટ્ટરપંથી કો-પાઈલટની આકરી પૂછપરછ કરશે. આ ઘટના પાછળ કોઈ મોટું આતંકી કાવતરું, આંતરરાષ્ટ્રીય ઈશારો કે પૂર્વ આયોજિત પ્લાન હતો કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. UAEના વિદેશ મંત્રાલય અને સત્તાવાર એજન્સીઓએ આ ઘટનાની તપાસ 'ટેરર એક્ટ' અને 'સેફ્ટી ઈન્સિડન્ટ' હેઠળ શરૂ કરી છે.
હવામાં મિડ-એર ડ્રામા સર્જાયો ત્યારે ફ્લાયદુબઈના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ક્રૂ મેમ્બર્સે અસાધારણ હિંમત દર્શાવી. કો-પાઈલટે કોકપિટમાં કેપ્ટન પર ચપ્પુથી હુમલો કરી વિમાનને નીચે જમીન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિમાનમાં મુસાફરી કરી રહેલા રિઝર્વ પાઈલટ અને ક્રૂ મેમ્બર્સે મુસાફરોની મદદથી કટ્ટરપંથી કો-પાઈલટને કાબૂમાં લઈ લીધો. ત્યારબાદ પ્લેનનું નોર્થ-વેસ્ટ સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, જેથી 170થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો. UAE સરકારે કેપ્ટન સ્મિતને 'રીયલ હીરો' ગણાવ્યા છે.
આ ઘટના બાદ એરલાઈન ક્ષેત્રે મોટો વિવાદ ઊભો થયો છે. ઓમાને હમામ અલ-હમ્મામીની કટ્ટરપંથી પૃષ્ઠભૂમિને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આ માહિતી અન્ય દેશો કે એરલાઈન્સ સાથે શેર કરાઈ હતી કે કેમ અને ફ્લાયદુબઈએ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વિના તેને સંવેદનશીલ રૂટ પર ફ્લાઈટ કેમ સોંપી તે અંગે હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.