ફ્લાયદુબઈની એક ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત પર થયેલા હુમલાના કેસમાં કો-પાયલટની ઓળખ સામે આવી છે. તેનું નામ હમામ અલ-હમામી છે અને તે ઓમાનનો રહેવાસી છે. અલ અરબિયા સહિતના અરબી મીડિયાએ સૂત્રોના આધારે આ માહિતી આપી છે.
અહેવાલો અનુસાર, હમામ અલ-હમામી પર આ ઘટનામાં ફ્લાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે. તે કટ્ટરપંથી વેબસાઇટો જોતો હોવાનું અને તેના કારણે તેને ઓમાન એરમાંથી 2024-25 દરમિયાન નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. તેની માતા સીરિયન મૂળની હોવાનું પણ કહેવાય છે.
અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ, હમામને પહેલાં પણ સુરક્ષા માટે જોખમી ગણવામાં આવ્યો હતો. તેના કટ્ટરપંથી વિચારોને લીધે ઓમાનમાં તેને ઉડાન ભરવા પર રોક લગાવવામાં આવી હતી. તેણે પોતાનો મોટાભાગનો સમય ઓમાનની બહાર વિતાવ્યો હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. જોકે, ફ્લાયદુબઈએ પૂરતી બેકગ્રાઉન્ડ તપાસ કર્યા વિના તેને નોકરી પર રાખ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
ઘટના કેવી રીતે બની? સાઉદી અરેબિયાની ઉપર આશરે 33,000થી 34,000 ફૂટની ઊંચાઈએ ફ્લાયદુબઈની ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી અને ફ્લાઇટને લગભગ બે કલાક થયા હતા. તે દરમિયાન કો-પાયલટ હમામ અલ-હમામીએ કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા.
ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટમાં પહોંચ્યા અને કો-પાયલટને કાબૂમાં લેવામાં મદદ કરી. વિમાનનો માર્ગ બદલીને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તબુક સ્થિત પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા અને કોઈને ગંભીર ઈજા થઈ નહોતી. બાદમાં મુસાફરોને બીજી ફ્લાઇટ મારફતે ઇઝરાયેલ મોકલવામાં આવ્યા. સાઉદી અધિકારીઓએ કો-પાયલટને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી અને પછી તેને UAE મોકલી દેવામાં આવ્યો.
કેપ્ટન સ્મિતની બહાદુરીની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પત્ની અને માતા-પિતા સાથે વાત કરી હતી અને વીડિયો કોલ દ્વારા કેપ્ટન સ્મિત સાથે વાત કરીને તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ ભયાનક ઘટનાનો પોતાનો અનુભવ વડાપ્રધાન સાથે શેર કર્યો હતો.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન સ્મિતની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેપ્ટનનું ઘણું લોહી વહી રહ્યું હતું, વિમાન નિયંત્રણ ગુમાવીને નીચે તરફ જઈ રહ્યું હતું, પરંતુ ભારતીય પાયલટે અવિશ્વસનીય હિંમત બતાવી અને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન સ્મિતને સાચો હીરો ગણાવ્યો છે.