સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાયદુબઈ ઘટના: ઈરાનની ભૂમિકાની શક્યતા નકારી ન શકાય, ટ્રમ્પનું નિવેદન

ફ્લાયદુબઈ ઘટના: ઈરાનની ભૂમિકાની શક્યતા નકારી ન શકાય, ટ્રમ્પનું નિવેદન

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે ફરી કડક વલણ દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે ઈરાને અમેરિકા સાથે નિષ્પક્ષ સમજૂતી કરવી પડશે, નહીં તો તેના અસ્તિત્વ પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ઈરાને તણાવ ઘટાડવા અને વાતચીત આગળ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ ટ્રમ્પે તે સ્વીકાર્યો નથી.

આ સાથે જ ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાઈલટ દ્વારા પાઈલટ પર હુમલાની ઘટનામાં ઈરાનની ભૂમિકા અંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાનની ભૂમિકાની શક્યતાને નકારી શકાય નહીં. જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે આ મામલે તપાસ હજુ ચાલુ છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આ ઘટનામાં ઈરાનનો હાથ હતો કે નહીં, તે અત્યારે કહેવું ઉતાવળ ગણાશે.

શું છે સમગ્ર ઘટના?

યુએઈથી ઈઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બે પાયલટ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. ગુજરાત મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે બહાદુરી બતાવી અને 180 મુસાફરોના જીવ બચાવ્યા. કો-પાયલટે સ્મિત પર ચાકુ વડે હુમલો કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.

સવારે લગભગ 8:20 વાગ્યે વિમાન અચાનક ઝડપથી નીચે જવા લાગ્યું. માત્ર બે મિનિટમાં પ્લેન 17,400 ફૂટ નીચે આવી ગયું. 180 મુસાફરોથી ભરેલા વિમાનમાં ચીસાચીસ મચી ગઈ. મુસાફરોને લાગ્યું કે તેમનું મોત નક્કી છે. પણ યોગ્ય સમયે પ્લેન પર નિયંત્રણ મેળવી લેવાયું અને સાઉદી અરેબિયાના તબૂક શહેરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું.

કોણે કરાવ્યું સુરક્ષિત લેન્ડિંગ?

કોકપિટમાંથી 'બચાવો-બચાવો'ના અવાજો સાંભળીને સામે બેઠેલા મુસાફરો મદદ માટે આગળ આવ્યા અને હુમલાખોરને કોકપિટમાંથી બહાર કાઢ્યો. પ્લેનમાં પાછળ બેઠેલા બે રાહત (રિલીફ) પાયલટો અને મુસાફરોની મદદથી સ્થિતિ સંભાળવામાં આવી અને પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું.

ડેન્ટિસ્ટે કરી મદદ

કોકપિટમાં બે પાયલટ વચ્ચે હિંસક ઝપાઝપી અને ચાકુબાજી થઈ હતી. એક પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે હુમલો કર્યો, જેમાં સ્મિતને ગંભીર ઇજા પહોંચી. હુમલામાં ઘાયલ સ્મિત મચ્છરની સારવાર પ્લેનમાં જ હાજર એક ડેન્ટિસ્ટ મુસાફરે કરી.

હુમલો કરનાર પાયલટની ધરપકડ

ઈઝરાયલી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું આ ઈઝરાયલીઓ પર હુમલાનો પ્રયાસ હતો. દક્ષિણપંથી વિચારધારા ધરાવતા બે મંત્રીઓએ આને નિષ્ફળ બનાવાયેલો આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિરે કહ્યું કે એક આતંકવાદી વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરીને ઈઝરાયલીઓનો જીવ લેવા માગતો હતો. ઈઝરાયલી પીએમએ કહ્યું કે હુમલો કરનાર પાયલટની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાઉદી અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.