સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાઇટ ટિકિટના ભાડા પર લગામ? સરકાર લાવી રહી છે નવા નિયમો, જાણો શું બદલાશે

ફ્લાઇટ ટિકિટના ભાડા પર લગામ? સરકાર લાવી રહી છે નવા નિયમો, જાણો શું બદલાશે

ફ્લાઇટમાં મુસાફરી કરનારા લોકો જાણે છે કે ટિકિટના ભાવ રાતોરાત બદલાઈ જાય છે. ખાસ કરીને તહેવારો, રજાઓ કે કુદરતી આફતના સમયે વિમાનના ભાડામાં મોટો ઉછાળો આવે છે. એક જ રૂટ પર થોડા દિવસના અંતરમાં હજારો રૂપિયાનો તફાવત જોવા મળે છે. આ ભાવવધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે હવાઈ મુસાફરી મુશ્કેલ બની જાય છે.

મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે ફ્લાઇટના ભાડા પર લગામ કસવા માટે નવા નિયમો બનાવી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટના ભાવમાં થતા અસામાન્ય અને અતિશય વધારાને રોકવાનો છે. જોકે, સરકાર એરલાઇન્સ કંપનીઓના રોજિંદા ધંધામાં દખલ કરવા માંગતી નથી.

ભારતીય વિમાન અધિનિયમ 2024 હેઠળ તૈયાર થઈ રહેલા આ નિયમો મુજબ સામાન્ય દિવસોમાં સરકાર ટિકિટના ભાવ પર સીધું નિયંત્રણ કે મર્યાદા લાદશે નહીં. વિમાન કંપનીઓ બજારની હરીફાઈ મુજબ પોતાનું ભાડું નક્કી કરવા સ્વતંત્ર રહેશે.

પરંતુ દેશમાં કુદરતી આપત્તિ, કટોકટી કે મોટી મુશ્કેલીના સમયે સરકાર ચોક્કસ શરતો સાથે મહત્તમ ભાડાની મર્યાદા (પ્રાઇસ કેપ) લાગુ કરી શકશે. આનો હેતુ મુશ્કેલીના સમયે લોકો પાસેથી વધુ પડતા પૈસા વસૂલવાનું અટકાવવાનો છે.

પ્રસ્તાવિત નિયમો અનુસાર તમામ વિમાન કંપનીઓએ એક મહિના અગાઉ પોતાનું ભાડાનું માળખું ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ફરજિયાતપણે જમા કરાવવું પડશે. માત્ર સરકારને વિગતો આપવી પૂરતી નહીં હોય, પરંતુ એરલાઇન્સે આ માહિતી પોતાની સત્તાવાર વેબસાઇટ પર પણ ગ્રાહકો માટે જાહેર કરવી પડશે. આનાથી ટિકિટ બુકિંગ વ્યવસ્થામાં પારદર્શિતા વધશે. કઈ કંપની કયા આધારે ભાડું વસૂલે છે તે ગ્રાહકોને ખબર પડશે અને વધુ પડતા ચાર્જના કિસ્સાઓ પર સરકાર નજર રાખી શકશે.

તહેવારો દરમિયાન ભાડામાં આગ કેમ લાગે છે? દિવાળી કે ઉનાળુ વેકેશનમાં લોકો વધુ મુસાફરી કરે છે, જ્યારે ફ્લાઇટમાં બેઠકોની સંખ્યા મર્યાદિત હોય છે. માંગ વધુ અને પુરવઠો ઓછો હોવાથી ભાવ વધે છે. આ ઉપરાંત ઉડ્ડયન ઇંધણ (ATF)ની વધઘટ થતી કિંમતો, વિમાનોની ઉપલબ્ધતા અને ઓપરેશનલ ખર્ચ પણ ટિકિટના ભાવ પર સીધી અસર કરે છે.

એટલે માત્ર ભાડાની મર્યાદા નક્કી કરવાથી બેઠકોની અછતનો કાયમી ઉકેલ નહીં આવે. પરંતુ કટોકટીના સમયે સરકારનો આ નવો નિયમ અને એક મહિના અગાઉની પારદર્શિતા સામાન્ય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.