સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રાઝિલની ચૂંટણી હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા ગયા, સરકારે પાસપોર્ટ રદ કર્યો

બ્રાઝિલની ચૂંટણી હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા ગયા, સરકારે પાસપોર્ટ રદ કર્યો

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ ફ્લાવિયો બોલ્સોનારો પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે અમેરિકા જવા રવાના થયા છે. સમાચાર એજન્સી રોયટર્સને ટાંકીને આ માહિતી સામે આવી છે. ફ્લાવિયોના એક સહયોગીએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી. એક અમેરિકી અધિકારીએ પણ જણાવ્યું કે ફ્લાવિયો અમેરિકા આવી રહ્યા છે. શક્યતા છે કે તેઓ ત્યાં રાજકીય આશ્રય માંગે.

રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ફ્લાવિયો વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે હારી ગયા હતા. બીજા તબક્કામાં તેમને 48 ટકા મત મળ્યા, જ્યારે લુલાને 52 ટકા મત મળ્યા. હાર બાદ ફ્લાવિયોએ પરિણામ સ્વીકાર્યું નહોતું.

ફ્લાવિયો સામે ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરીના કેસોમાં તપાસ ચાલી રહી છે. સોમવારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે તેમને 24 કલાકમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. પોલીસને શંકા હતી કે તેઓ તપાસથી બચવા માટે દેશ છોડી શકે છે.

મંગળવારે સવારે 11 વાગ્યા સુધી ફ્લાવિયોએ પાસપોર્ટ જમા કરાવ્યો નહોતો. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી. સાંજ સુધી પાસપોર્ટ જમા ન થતાં અધિકારીઓએ તેમનો પાસપોર્ટ રદ કરી દીધો.

અમેરિકા જવાના અહેવાલો વચ્ચે એવું પણ કહેવાય છે કે ફ્લાવિયો પહેલા આર્જેન્ટિના પહોંચ્યા હતા. આર્જેન્ટિનામાં તેમના નજીકના સહયોગી અને દક્ષિણપંથી રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈની સરકાર છે. મીડિયા અહેવાલો મુજબ, બ્રાઝિલ-આર્જેન્ટિના સરહદ નજીકના ઇગુઆઝુ એરપોર્ટ પર એક ખાનગી વિમાન ઊતર્યું હતું. અધિકારીઓએ વિમાન અને તેના ક્રૂની તપાસ કરી, પણ દસ્તાવેજોમાં બોલ્સોનારો પરિવારના કોઈ સભ્યનું નામ મળ્યું નહોતું. આર્જેન્ટિના સરકારે પણ કહ્યું કે ફ્લાવિયો દેશમાં આવ્યા હોવાનો કોઈ રેકોર્ડ નથી. બ્રાઝિલની પોલીસનું કહેવું છે કે ફ્લાવિયો કોઈ અધિકૃત સરહદ ચેકપોસ્ટ પરથી દેશ છોડીને ગયા નથી.

ફ્લાવિયોના પિતા અને બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ પણ 2022માં લુલા સામેની ચૂંટણી હાર્યા બાદ પરિણામ સ્વીકાર્યું નહોતું અને અમેરિકા ચાલ્યા ગયા હતા. બ્રાઝિલ પરત ફર્યા બાદ તેમની સામે તખ્તાપલટના કાવતરાનો કેસ ચાલ્યો અને તેમને 27 વર્ષની જેલની સજા થઈ હતી. ફ્લાવિયોના નાના ભાઈ એડુઆર્ડો પણ અમેરિકામાં રહે છે. તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે હાર થાય તો ફ્લાવિયોએ બ્રાઝિલ છોડી દેવું જોઈએ.

ફ્લાવિયો સામેના ભ્રષ્ટાચારના કેસોમાં તેમના પિતાના જીવન પર ફિલ્મ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો કેસ પણ સામેલ છે. ફ્લાવિયોએ સ્વીકાર્યું હતું કે તેમણે ભૂતપૂર્વ બેંકર ડેનિયલ વોરકારો પાસેથી ફિલ્મ માટે આશરે 1.2 કરોડ ડોલર એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈ ખોટું કૃત્ય કર્યાનો ઇનકાર કર્યો છે.

સોમવારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને ફ્લાવિયોએ કહ્યું હતું કે તેમણે ક્યારેય દેશ છોડવાનું વિચાર્યું નથી. તેમણે પાસપોર્ટ જમા કરાવવાની અને તેમના પર લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવાની વાત પણ કહી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલની ચૂંટણીના પરિણામ પર સવાલ ઉઠાવ્યા હતા અને પુરાવા વિના ચૂંટણીમાં ગોટાળાનો દાવો કર્યો હતો. ફ્લાવિયોએ ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકા સાથેના સંબંધો મજબૂત કરવાનું વચન આપ્યું હતું, જ્યારે લુલાએ ટ્રમ્પ પર બ્રાઝિલની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.