સત્ય. સાહસ. સંકલ્પ.

ફિચે ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને 6.9% કર્યો, જૂન ત્રિમાસિકમાં 7.8% વૃદ્ધિ

ફિચે ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને 6.9% કર્યો, જૂન ત્રિમાસિકમાં 7.8% વૃદ્ધિ

ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 6.9% કર્યો છે. ફિચના જણાવ્યા મુજબ, જૂન ક્વાર્ટરમાં દેશનો આર્થિક ગ્રોથ 7.8% રહ્યો હતો, જે ભારતની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. જોકે, રેટિંગ એજન્સીનું અનુમાન છે કે આવનારા મહિનાઓમાં મોંઘવારી અને ઓછા વરસાદની અસરને ધ્યાનમાં રાખીને RBI આગામી ઓક્ટોબરની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજ દરોમાં 0.25%નો વધારો કરી શકે છે.

આ પહેલાં વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6%થી વધારીને 7% કર્યો હતો.

ફિચ રેટિંગ્સ અનુસાર, 2026ના પ્રથમ છ મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ તથા વેપારી પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. જૂન ત્રિમાસિકમાં 7.8%નો જીડીપી વૃદ્ધિદર તેનો પુરાવો છે. જોકે, એજન્સીનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષના બાકીના ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિઓની ગતિ થોડી ધીમી પડી શકે છે.

ફિચે પોતાના અહેવાલમાં સંકેત આપ્યો છે કે વધતી કિંમતો અને સપ્લાય ચેઇનની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને RBI ઓક્ટોબર 2026ની બેઠકમાં પોલિસી રેટ્સમાં 0.25%નો વધારો કરીને તેને 5.5% કરી શકે છે. રેટિંગ એજન્સી અનુસાર, વ્યાજદરમાં આ વધારો અહીં અટકશે નહીં. 2027ની શરૂઆત સુધીમાં વ્યાજદર વધીને 5.75% થઈ શકે છે, ત્યારબાદ 2028માં તે ફરી ઘટીને 5.5% થવાની શક્યતા છે.

અર્થવ્યવસ્થા સામે કેટલીક પડકારો હોવા છતાં, પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણની સ્થિતિ ઘણી સારી દેખાઈ રહી છે. ફિચને આશા છે કે આ વર્ષે પ્રાઇવેટ રોકાણમાં 10%થી વધુનો વધારો થશે. આ ઉપરાંત, જુલાઈમાં નોન-ફૂડ ક્રેડિટ ગ્રોથ (બિન-ખાદ્ય ધિરાણ) પણ વાર્ષિક ધોરણે 19% નોંધાઈ છે, જે દર્શાવે છે કે બિઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોનની માંગ ઝડપથી વધી રહી છે.

આવનારા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ થોડો ધીમો પડવા પાછળ ફિચે ત્રણ મુખ્ય કારણો જણાવ્યાં છે:

PMI ડેટામાં નરમાઈ: મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંનેના પરફોર્મન્સ ઇન્ડિકેટર (PMI)માં વૃદ્ધિની ગતિ થોડી ધીમી પડી છે.

નબળું ચોમાસું: સામાન્ય કરતાં ઓછા વરસાદની અસર ખેતી અને ગ્રામીણ વિસ્તારોની માંગ (Rural Demand) પર પડશે.

મોંઘવારીનું દબાણ: વધતી મોંઘવારી સામાન્ય લોકોની વાસ્તવિક આવક (Real Income) પર અસર કરશે, જેના કારણે ગ્રાહક ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

ફિચ પહેલાં અન્ય વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ પણ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બુધવારે S&P ગ્લોબલ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ગયા અઠવાડિયે રેટિંગ એજન્સી મૂડીઝે પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7% રહેવાનો જ અંદાજ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ગયા નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8% નોંધાયો હતો.