જો તમે પહેલી વાર ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા છો, તો તે નિર્ણય લેતા પહેલાં થોડી સમજ જરૂરી છે. ક્રેડિટ કાર્ડ ફક્ત ટૂંકા ગાળાની લોન આપતું સાધન નથી. તેના થકી ખરીદી પર વળતર, ટ્રેન, ફ્લાઇટ કે બસની ટિકિટ બુકિંગમાં સવલત અને એરપોર્ટ લાઉન્જની સુવિધા જેવા લાભ પણ મળે છે. પણ ઘણા લોકો ઉતાવળમાં કે બીજાને જોઈને કાર્ડ લઈ લે છે અને નિયમો-શરતો કે વિવિધ ફી વિશે પૂરતી જાણ કરતા નથી. એટલે કાર્ડ લેતા પહેલાં નીચેની પાંચ બાબતો તપાસી લેવી સારી રહે છે.
1. નિયમો અને ફીની સ્પષ્ટ સમજ
કાર્ડ લેતા પહેલાં તેની ચુકવણીની શરતો, મોડા થવા પરનો દંડ, વાર્ષિક શુલ્ક અને વ્યાજ દર સહિતની બધી વિગતો જાણી લેવી જોઈએ. આ બધું છૂટથી પરવડે એવું લાગે તો જ કાર્ડ લેવાનું નક્કી કરવું સમજદારી છે.
2. ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર
ઘણાને થાય છે કે કાર્ડની મર્યાદા ₹50,000 કે ₹1,00,000 હોય તો એટલો ઉપયોગ કરી લેવો જોઈએ. પણ ખરેખર તમારે કાર્ડ મર્યાદાના લગભગ 30% જ ઉપયોગ કરવો જોઈએ. આ મર્યાદા વટાવવાથી તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે.
3. સમયસર ચુકવણી
ક્રેડિટ કાર્ડ બિલમાં ઘણીવાર ઓછામાં ઓછી ચુકવણી (મિનિમમ ડ્યૂ)નો વિકલ્પ મળે છે. પણ એ ચૂકવ્યા પછી બાકી રકમ પર વ્યાજ લાગુ થાય છે. તેથી બિલ સમયસર ચૂકવવું જ જોઈએ. ચુકવણી ચૂકી ન જાય એ માટે ઓટોપે સેટ કરવો સારો રસ્તો છે.
4. ખર્ચ અને સ્ટેટમેન્ટ પર નજર
દર મહિને તમારું સ્ટેટમેન્ટ ધ્યાનથી તપાસો. કોઈ અજાણ્યો વ્યવહાર દેખાય તો તરત જ તેની ફરિયાદ કરો. બેલેન્સ ટ્રાન્સફરથી લઈને ATMમાંથી રોકડ ઉપાડ સુધીના નિયમો કાળજીપૂર્વક વાંચો.
5. માહિતી કોઈને ન આપો
કાર્ડની માહિતી બીજા કોઈની સાથે શેર કરવી નહીં. ખાસ કરીને તમારો PIN, OTP અથવા CVV નંબર કોઈને પણ જણાવવો નહીં.
ટૂંકમાં, ક્રેડિટ કાર્ડ જરૂરિયાત પૂરી કરે છે અને સુવિધા પણ આપે છે. પણ તે લેતા પહેલાં ફી, વ્યાજ દર, ખર્ચ અને જોખમો સમજી લેવાથી તમે પછીની મુશ્કેલીઓથી બચી શકો છો.