ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવને કારણે શહેરોમાં લાકડાની માંગમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. ગૃહિણીઓ ફરી ચૂલા તરફ વળી રહી છે, જેના કારણે 20 કિલો લાકડાનો ભાવ રૂ. 100-120 થી વધીને રૂ. 140-150 થયો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વૈકલ્પિક ઇંધણ તરીકે લાકડાનો ઉપયોગ વધતા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે.
છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગ વધી રહી છે. વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાશ વધતાં બજારમાં લાકડાની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. હવે ગામડાઓમાં જ નહીં, શહેરોમાં પણ લાકડાની માંગ વધી છે. ઘરેલું ગેસ સિલિન્ડર મોંઘા થઈ રહ્યા છે. આજની કારમી મોંઘવારીમાં ઘણાં મધ્યમ વર્ગના પરિવારોને ગેસ સિલિન્ડર પોષાય તેમ નથી. સિલિન્ડર હોવા છતાં રિફિલ કરાવી શકતા નથી. આ સંજોગોમાં લોકોએ વૈકલ્પિક ઇંધણનો વપરાશ કરવો પડ્યો છે.
અગાઉ બજારમાં 20 કિલો લાકડાનો ભાવ આશરે રૂ. 100ની આસપાસ રહેતો હતો, જે હવે ચાલુ સીઝનમાં વધીને રૂ. 140-150 સુધી પહોંચી ગયો છે. ટૂંકા ગાળામાં જ લાકડાના ભાવમાં મણ દીઠ વધારો થયો છે, જેના કારણે સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકો લાકડા તરફ વળવા પાછળ મુખ્ય કારણો જવાબદાર છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રાંધણ ગેસના સિલિન્ડર સમયસર ઉપલબ્ધ થતા નથી. ગેસ સિલિન્ડરના ભાવ સતત વધતા મધ્યમ અને શ્રમિક વર્ગ માટે ગેસ પર રાંધવું ઘણું મોંઘું સાબિત થઈ રહ્યું છે. અત્યાર સુધી જે લાકડાનો ઉપયોગ માત્ર ગામડાઓ પૂરતો સીમિત હતો, તે હવે ગેસના વિકલ્પ તરીકે શહેરી વિસ્તારોના ઘરોમાં પણ શરૂ થઈ ગયો છે.
ગેસ એજન્સીઓની અનિયમિતતા અને મોંઘવારીને લીધે ગૃહિણીઓ ફરી પરંપરાગત ચૂલા તરફ વળી રહી છે. બજારમાં એકાએટ માંગ વધતાં આગામી દિવસોમાં લાકડાના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા છે.