સત્ય. સાહસ. સંકલ્પ.

ફટાકડાનો ધુમાડો અસ્થમા અને ફેફસાં માટે જોખમકારક, આંખોમાં પણ બળતરા

ફટાકડાનો ધુમાડો અસ્થમા અને ફેફસાં માટે જોખમકારક, આંખોમાં પણ બળતરા

તહેવારોમાં ફટાકડા ફોડવાની પરંપરા છે, પરંતુ તેમાંથી નીકળતો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ખાસ કરીને અસ્થમા, COPD અને શ્વાસની અન્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે આ ધુમાડો મુશ્કેલી ઊભી કરી શકે છે. ઉપરાંત, તે આંખો અને ગળા પર પણ અસર કરે છે.

ફટાકડા સળગતા હવામાં PM2.5 અને PM10 જેવા બારીક કણો, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ તથા બેરિયમ અને સ્ટ્રોન્શિયમ જેવા ધાતુના કણો ફેલાય છે. આ કણો શ્વાસ સાથે ફેફસાંમાં પહોંચી શ્વાસનળીમાં બળતરા અને સોજો લાવે છે. જેના કારણે ઉધરસ, છાતીમાં ભારેપણું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

અસ્થમાના દર્દીઓની શ્વાસનળી પહેલેથી સંવેદનશીલ હોય છે, તેથી ધુમાળો ઝડપથી તકલીફ પેદા કરે છે. બારીક કણો અને વાયુઓથી શ્વાસનળીમાં સોજો વધે છે અને તે સાંકડી થાય છે, જેના કારણે અચાનક ઉધરસ, છાતીમાં જકડન અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કેટલાક કિસ્સામાં અસ્થમાનો હુમલો પણ આવી શકે છે.

COPD ધરાવતા લોકોના ફેફસાંમાં પહેલેથી અવરોધ હોય છે, તેથી પ્રદૂષિત હવા તેમને વધુ નુકસાન કરે છે. ધુમાડાના સંપર્કથી ઉધરસ વધે છે, કફ વધે છે અને શ્વાસ ફૂલવાની સમસ્યા વધે છે. કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.

ફટાકડાનો ધુમાડો આંખોમાં પણ બળતરા કરે છે. આંખમાં પાણી આવવું, લાલ થવું અથવા ખૂંચવા જેવી તકલીફ થાય છે. તેથી વધુ ધુમાડો હોય ત્યાં લાંબા સમય ઊભા ન રહેવું જોઈએ. બાળકો અને સંવેદનશીલ લોકોને ધુમાડાથી દૂર રાખવા જોઈએ.

બચાવ માટે, જ્યારે આસપાસ ધુમાડો હોય ત્યારે બહાર નીકળવાનું ટાળો. ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખો. એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકાય, પરંતુ તે બધા હાનિકારક વાયુઓને દૂર નથી કરતું. ધુમાડા દરમિયાન બહાર કસરત કે દોડવું ટાળો, કારણ કે ઝડપી શ્વાસોચ્છવાસથી વધુ પ્રદૂષિત હવા ફેફસાંમાં જાય છે. હવા સાફ થાય પછી જ બહારની પ્રવૃત્તિ કરો.