ફિજીમાં ડ્રગ્સના વધતા ચલણ અને દૂષિત સિરીંજના સહિયારા ઉપયોગને કારણે HIVના ચેપનો ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનો સૌથી વધુ પ્રભાવિત થયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે સરકારે દેશભરમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી (National Health Emergency) જાહેર કરવી પડી છે.
ફિજીની કુલ વસ્તી લગભગ 9.3 લાખ છે. અત્યાર સુધીમાં 9,100થી વધુ લોકો HIV સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આંકડા દર્શાવે છે કે દર 60 પુખ્ત વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ વાયરસથી પીડિત છે. માત્ર વર્ષ 2025માં જ 2,016 નવા કેસ નોંધાયા છે, જે એક વર્ષમાં 27%નો વધારો દર્શાવે છે. જ્યારે 2010ની સરખામણીમાં આ આંકડો 12 ગણો વધ્યો છે.
આ રોગચાળા પાછળનું મુખ્ય કારણ 'મેથામ્ફેટામાઇન' નામના કેમિકલ ડ્રગનું વધતું ચલણ છે. કોવિડ-19 દરમિયાન સરહદો બંધ થતાં વિદેશ જતો આ ડ્રગનો જથ્થો સ્થાનિક બજારમાં ઘૂસી ગયો. વર્ષ 2025માં નોંધાયેલા 42%થી વધુ નવા કેસ આ ડ્રગ લેવા માટે વપરાતી દૂષિત સોય (સિરીંજ) શેર કરવાને કારણે સામે આવ્યા છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પણ નશો કરવા માટે એકબીજાએ વાપરેલી સોયનો ઉપયોગ કરી રહ્યા છે. 'ડ્રગ ફ્રી વર્લ્ડ ફિજી'ના સ્થાપક કાલેસી વોલાટાબુએ એક કિસ્સો ટાંકતા જણાવ્યું હતું કે 15 વર્ષની એક સગીરા ડ્રગ્સની એટલી હદે ગુલામ બની ગઈ હતી કે તેણે પોતાના હાથની ત્રણ નસોના નામ 'બ્રેકફાસ્ટ', 'લંચ' અને 'ડિનર' રાખ્યા હતા.
ફિજીના હાલના કાયદા મુજબ કોઈને નવી કે સાફ સિરીંજ આપવી એ ડ્રગ્સને પ્રોત્સાહન આપવા સમાન ગુનો ગણાય છે. જોકે UNAidsના મતે સાફ સોય આપવાથી ડ્રગ્સનું સેવન વધતું નથી, પરંતુ ચેપ ચોક્કસ અટકે છે. બીજી તરફ, સામાજિક ડર અને ભેદભાવના કારણે માત્ર 39% દર્દીઓને જ પોતાના સંક્રમણ વિશે ખબર છે.
આ સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક મહત્વના પગલાં લીધા છે:
1. આર્થિક ભંડોળ: કટોકટી નિવારણ માટે વાર્ષિક 23 મિલિયન FJD (અંદાજે 10.2 મિલિયન USD) ફાળવવામાં આવ્યા છે.
2. કાયદામાં સુધારો: HIV એક્ટમાં ફેરફાર કરીને સ્વચ્છ સોય વહેંચવાની કાનૂની મંજૂરી આપવાની તૈયારી છે.
3. નિઃશુલ્ક સારવાર: દર 100 સગર્ભામાંથી 2 મહિલાઓ HIV પોઝિટિવ હોવાથી, ગર્ભવતી મહિલાઓ માટે પ્રી-એક્સપોઝર પ્રોફિલેક્સિસ (PrEP) અને સગર્ભાવસ્થા દરમિયાન 3 વખત મફત તપાસની સુવિધા આપવામાં આવી રહી છે.
આ સંકટ પાપુઆ ન્યુ ગિની અને સોલોમન ટાપુઓ સુધી ફેલાઈ રહ્યું હોવાથી ઓસ્ટ્રેલિયાએ 48 મિલિયન ડૉલર અને ન્યુઝીલેન્ડે 4.2 મિલિયન ડૉલરની મદદ જાહેર કરી છે. ફિજીનું આરોગ્ય વિભાગ 100 નવા કર્મચારીઓની ભરતી કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ સ્થિતિ સામાન્ય થતાં 5 થી 10 વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ સમયસરના કડક પગલાંથી હજારો નિર્દોષ જિંદગીઓ બચાવી શકાશે.