સત્ય. સાહસ. સંકલ્પ.

વિદેશી રોકાણકારોએ 24 મહિનામાં ભારતમાંથી 3.84 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

વિદેશી રોકાણકારોએ 24 મહિનામાં ભારતમાંથી 3.84 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

બર્નસ્ટીન રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી હોવા છતાં વિદેશી રોકાણકારોનો ઉત્સાહ ઘટ્યો છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારમાંથી લગભગ 40 અબજ ડોલર (આશરે 3.84 લાખ કરોડ રૂપિયા) વિદેશી મૂડી પાછી ખેંચાઈ છે.

અહેવાલ કહે છે કે વિદેશી રોકાણકારો હવે માત્ર દેશના જીડીપી વિકાસને જોતા નથી. તેમના નિર્ણયમાં રૂપિયાની વિનિમય સ્થિતિ અને બજારના મોંઘા વેલ્યુએશન પણ મહત્ત્વના બન્યા છે.

એક સમયે ભારતના આર્થિક વિકાસ અને વિદેશી રોકાણ વચ્ચે ગાઢ સંબંધ હતો. જીડીપી વધે તો વિદેશી રોકાણ પણ વધે. પણ 2007 પછી આ સંબંધ નબળો પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહી હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની મૂડી સતત બહાર નીકળતી રહી છે.

અગાઉ ભારત અને અમેરિકાના વ્યાજદર વચ્ચેનો તફાવત વિદેશી રોકાણકારો માટે મોટો આધાર ગણાતો. પણ છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આ સંબંધ નબળો પડ્યો છે. હવે ડૉલર સામે રૂપિયાનો ભાવ વધુ મહત્ત્વનો બન્યો છે. બર્નસ્ટીનના આંકડા પ્રમાણે, તાજેતરના સમયમાં FII ઇન્ફ્લો અને રૂપિયાના ભાવ વચ્ચેનો સંબંધ લગભગ 72.9 ટકા રહ્યો છે.

સરળ શબ્દોમાં સમજીએ તો, વિદેશી રોકાણકાર ભારતમાં નાણાં રોકે અને શેરના ભાવ વધે, પણ એ દરમિયાન ડૉલર સામે રૂપિયો નબળો પડે તો ડૉલરમાં નાણાં પાછાં લેતી વખતે તેની કમાણી ઘટી જાય છે. એટલે માત્ર શેરબજારમાં ભાવ વધવાથી વિદેશી રોકાણકારનો હિસાબ પૂરો થતો નથી.

બીજું કારણ બજારનું ઊંચું વેલ્યુએશન છે. 2020 પછી ભારતનું વેલ્યુએશન અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં સતત ઊંચું રહ્યું છે. ડિસેમ્બર 2023થી સપ્ટેમ્બર 2026 વચ્ચે ભારતનું સરેરાશ સાપેક્ષ વેલ્યુએશન 162 ટકા રહ્યું. આ જ સમયગાળામાં ભારે FII આઉટફ્લો થયો. એટલે બજાર મોંઘું લાગ્યું ત્યારે વિદેશીઓએ નાણાં પાછાં ખેંચી લીધાં.

જોકે, દેશમાં સ્થાનિક રોકાણકારોની ભૂમિકા મજબૂત બની છે. છેલ્લા 10 વર્ષમાં FIIનું ચોખ્ખું રોકાણ માત્ર 4 અબજ ડોલર રહ્યું છે, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ (DII) લગભગ 300 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

અહેવાલ મુજબ, આગામી 12 મહિનામાં FII ઇન્ફ્લો સપાટ કે સામાન્ય રહેવાની ધારણા છે. લાંબા ગાળે વિદેશી મૂડી આકર્ષવા માટે સેમિકન્ડક્ટર, બેટરી, અવકાશ, સંરક્ષણ અને ડીપ-ટેક જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરની મોટી કંપનીઓ ઊભી કરવાની જરૂર છે.