સત્ય. સાહસ. સંકલ્પ.

ફાઈબર કે કેબલ બ્રોડબેન્ડ: ઘર માટે કયું Wi-Fi કનેક્શન યોગ્ય?

ફાઈબર કે કેબલ બ્રોડબેન્ડ: ઘર માટે કયું Wi-Fi કનેક્શન યોગ્ય?

ઘરે નવું Wi-Fi કનેક્શન લેતી વખતે ઘણા લોકો મૂંઝવણમાં પડે છે કે ફાઈબર બ્રોડબેન્ડ લેવું કે કેબલ બ્રોડબેન્ડ. બંનેની પોતાની ખાસિયત અને મર્યાદા છે. તમારી જરૂરિયાત અને બજેટ પ્રમાણે યોગ્ય કનેક્શન પસંદ કરી શકાય.

ફાઈબર-ઓપ્ટિક ટેક્નોલોજીમાં ડેટા કાચના ઝીણા તાર દ્વારા પ્રકાશની ઝડપે પસાર થાય છે. કેબલ બ્રોડબેન્ડમાં કોએક્સિયલ કેબલ હોય છે, જેમાં તાંબાના તાર દ્વારા ઈલેક્ટ્રિકલ સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે. કેબલ નેટવર્ક જૂના ટીવી કેબલ પર આધારિત હોવાથી ભેજવાળા કે ખરાબ વાતાવરણમાં સિગ્નલ નબળા પડી શકે છે. ફાઈબરમાં કાચ પર પ્લાસ્ટિકનું કોટિંગ હોવાથી હવામાનની અસર ઓછી થાય છે.

ફાઈબર કનેક્શનની સૌથી મોટી ખાસિયત સિમેટ્રિકલ સ્પીડ છે. એટલે કે અપલોડ અને ડાઉનલોડની સ્પીડ સમાન હોય છે. જે લોકો મોટી ફાઈલો અપલોડ કરે છે તેમને આનો ફાયદો થાય છે. કેબલ બ્રોડબેન્ડમાં બેન્ડવિડ્થ અન્ય યૂઝર્સ સાથે વહેંચાય છે, તેથી સાંજના પીક અવર્સમાં સ્પીડ ઘટી શકે છે.

ખર્ચની વાત કરીએ તો ફાઈબર હંમેશાં મોંઘું હોય એવું નથી. ઘણી કંપનીઓ કેબલ જેટલા ભાવમાં 1 Gbps સુધીની સ્પીડ આપે છે. કેબલમાં મોડેમ અને રાઉટર ભાડે લેવા પડે અથવા ખરીદવા પડે. ફાઈબરમાં ONT (ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ) મોટાભાગે મફત મળે છે. કેબલ સાથે ટીવી અને લેન્ડલાઈનનો કોમ્બો પ્લાન સસ્તો મળે છે, જ્યારે હવે કેટલીક ફાઈબર કંપનીઓ પણ સ્ટ્રીમિંગ ટીવી અને OTT બંડલ આપે છે.

જો તમારે ગેમિંગ, વીડિયો કોલિંગ કે વર્ક ફ્રોમ હોમ જેવા કામ માટે હાઈ અને સ્થિર સ્પીડ જોઈએ તો ફાઈબર યોગ્ય છે. જો તમારા વિસ્તારમાં ફાઈબર ઉપલબ્ધ ન હોય અથવા તમારો ઉપયોગ ફક્ત વેબ બ્રાઉઝિંગ, સોશિયલ મીડિયા અને સામાન્ય વીડિયો સ્ટ્રીમિંગ પૂરતો હોય તો કેબલ બ્રોડબેન્ડ પણ સારો વિકલ્પ છે. ટીવી કેબલ સાથે કોમ્બો પ્લાન જોઈએ તો પણ કેબલ પસંદ કરી શકાય.