સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-સુરતથી લાખો લોકો વતન રવાના: 104 સ્પેશિયલ ટ્રેન છતાં ટિકિટ માટે લાંબી લાઈનો

અમદાવાદ-સુરતથી લાખો લોકો વતન રવાના: 104 સ્પેશિયલ ટ્રેન છતાં ટિકિટ માટે લાંબી લાઈનો

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જવા માટે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેએ ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે.

1થી 6 નવેમ્બર વચ્ચેના છ દિવસમાં અમદાવાદ, સુરતના ઉધના અને વડોદરા સ્ટેશન પરથી 104 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં 2.44 લાખથી વધુ મુસાફરોએ ઉત્તરપ્રદેશ અને બિહાર જવા માટે મુસાફરી કરી હતી. આ આંકડો ફક્ત સ્પેશિયલ ટ્રેનોનો છે. નિયમિત ટ્રેનોમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો વતન જવા રવાના થયા છે, જેથી કુલ મુસાફરોની સંખ્યા લગભગ 5 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે.

રેલવેના આંકડા મુજબ, છ દિવસમાં અમદાવાદ સ્ટેશન પરથી 56 સ્પેશિયલ ટ્રેનોમાં 1,31,827 મુસાફરો રવાના થયા હતા. સુરતના ઉધના સ્ટેશન પરથી 43 ટ્રેનોમાં 1,05,713 મુસાફરોને મોકલવામાં આવ્યા હતા. વડોદરા સ્ટેશન પરથી 5 ટ્રેનોમાં 7,427 મુસાફરોએ મુસાફરી કરી હતી. આમ, સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ અને ઉધના સ્ટેશન પરથી દોડાવવામાં આવી હતી.

બિહાર જવા માટે સૌથી વધુ ભીડ રહી છે. છ દિવસમાં ઉત્તરપ્રદેશ માટે 37 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 75,062 મુસાફરો રવાના થયા હતા. બિહાર માટે 67 ટ્રેનો દોડાવીને 1,69,905 મુસાફરોને વતન મોકલવામાં આવ્યા હતા. એટલે કે ઉત્તરપ્રદેશની સરખામણીમાં બિહાર જવા માટે બમણાથી વધુ મુસાફરોની ભીડ રહી હતી.

6 નવેમ્બરે સૌથી વધુ 19 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 51,667 મુસાફરોએ ઉત્તરપ્રદેશ અને બિહાર માટે મુસાફરી કરી હતી. તે દિવસે અમદાવાદથી 12 ટ્રેનોમાં 30,767 અને ઉધનાથી 7 ટ્રેનોમાં 20,900 મુસાફરો રવાના થયા હતા. વડોદરાથી તે દિવસે કોઈ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી નહોતી.

સ્ટેશનો પરની ભીડ નિયંત્રિત કરવા રેલવેએ અમદાવાદ અને ઉધના ખાતે વિશેષ હોલ્ડિંગ એરિયા તૈયાર કર્યા છે. અહીં મુસાફરોને ટ્રેન આવે ત્યાં સુધી બેસાડવામાં આવે છે. પછી ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે આરપીએફની મદદથી મુસાફરોને લાઇનબદ્ધ રીતે કોચમાં બેસાડવામાં આવે છે, જેથી ભીડને કારણે કોઈ અફરાતફરી ન સર્જાય.

ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધે ત્યારે રેલવે ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) અંતર્ગત વધારાની ટ્રેનો પણ દોડાવી રહ્યું છે. એક રૂટ પરની નિર્ધારિત ટ્રેન ભરાઈ જાય તો તે જ રૂટ પર તરત બીજી ટ્રેન દોડાવવામાં આવે છે.