સત્ય. સાહસ. સંકલ્પ.

₹8.3 લાખમાં વેચાતી ફેન્ડીની બેગ ગુજરાતની ₹500ની બેગ જેવી, કારીગરોને શ્રેય નહીં

₹8.3 લાખમાં વેચાતી ફેન્ડીની બેગ ગુજરાતની ₹500ની બેગ જેવી, કારીગરોને શ્રેય નહીં

નવરાત્રિ આવતાં જ ગુજરાત અને રાજસ્થાનના બજારો રંગબેરંગી ભરતકામ અને આભલાવાળી (મિરર વર્ક) બેગથી ભરાઈ જાય છે. શેરીઓમાં સામાન્ય રીતે ₹500માં મળતી આ બેગ હવે ઇટાલીના લક્ઝરી ફેશન રનવે પર પહોંચી છે, પણ તેની કિંમત ₹8.3 લાખ છે. ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ ફેન્ડીએ આ બેગ લોન્ચ કરી છે, જે દેખાવમાં ગુજરાતની પરંપરાગત બેગ જેવી જ છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જ્યો છે. ઉદ્યોગપતિઓએ લક્ઝરી બ્રાન્ડ્સની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે.

ફેન્ડીની વેબસાઇટ પર આ બેગને ‘Baguette 26424: Multicolour Re Edition bag with embroidery and mirrors’ તરીકે દર્શાવાઈ છે. આ ડિઝાઇન 1997ની ઓરિજિનલ બેગનું નવું સ્વરૂપ છે, જે બ્રાન્ડના ફૉલ/વિન્ટર 2026-27 કલેક્શનનો ભાગ છે. કંપનીના જણાવ્યા અનુસાર, બેગ સંપૂર્ણપણે હાથથી ભરતકામ કરીને બનાવાઈ છે. તેમાં 39,500 મોતી અને 475 આભલાનો ઉપયોગ થયો છે. બેગ બનાવવામાં 138 કલાકથી વધુ સમય લાગ્યો છે.

બેગની કિંમત ₹8.3 લાખ છે અને વેબસાઇટ પર તેને ‘મેડ ઇન ઇટાલી’ દર્શાવાઈ છે. જો કે, અહેવાલો પ્રમાણે આ બેગ મુંબઈના ‘ચાણક્ય’ વર્કશોપમાં ભારતીય કારીગરો દ્વારા બનાવાઈ છે. કંપનીના પ્રોડક્ટ પેજ પર ભારતીય કારીગરો કે વર્કશોપનો ઉલ્લેખ નથી, જે વિવાદનું મુખ્ય કારણ છે.

RPG ગ્રૂપના ચેરમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પર બેગનો ફોટો શેર કરીને પૂછ્યું, ‘Pradaના કોલ્હાપુરી ચંપલના વિવાદ પછી હવે Fendiની નવરાત્રિ બેગ આવી છે. ગુજરાતની શેરીઓમાં ₹500માં મળતી બેગ જેવી ડિઝાઇન માટે ₹8.3 લાખ વસૂલાય છે અને ભારતીય કારીગરોને શ્રેય નથી. લક્ઝરી બ્રાન્ડ્સ ક્યારે આપણી કળા અને હસ્તકલાનું શોષણ બંધ કરશે?’

બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શોએ આ ઘટનાને ‘સાંસ્કૃતિક હડપ’ ગણાવી છે. તેમણે લખ્યું, ‘ભારતની પરંપરાગત કળાને લક્ઝરીના નામે નવા પેકિંગમાં વેચવી અને અસલી કારીગરોને શ્રેય ન આપવો, તે આપણા વારસા અને પ્રતિભાનું અવમૂલ્યન છે. ભારતીય હસ્તકલા માન્યતાને પાત્ર છે, નકલને નહીં.’

વિદેશી બ્રાન્ડ્સ દ્વારા ભારતીય કળાને પોતાના નામે વેચવાની આ પહેલી ઘટના નથી. 2025માં Pradaએ કોલ્હાપુરી ચંપલ જેવા ફૂટવેર ઊંચી કિંમતે વેચ્યા હતા. વિરોધ બાદ તેમને વેબસાઇટ પર તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ ઉમેરવો પડ્યો હતો. 2026માં પેરિસ ફેશન વીકમાં Ralph Laurenના મોડેલ્સે ભારતીય ઝુમકા પહેર્યા, પણ ભારતને શ્રેય અપાયો નહીં. 2018માં Zaraએ ભારતીય લુંગી જેવો પોશાક ‘Flowing skirt with drape’ નામથી ₹5,000માં વેચ્યો હતો, જ્યારે ભારતમાં લુંગી ₹200-300માં મળે છે. Balenciagaએ પણ ભારતીય પરંપરાગત કળાની નકલ કરીને વિવાદ સર્જ્યો છે.