અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ Ozempic, Wegovy, Mounjaro અને Zepbound જેવી વજન ઘટાડવાની દવાઓ લેનારા દર્દીઓને કાયમી દૃષ્ટિ ગુમાવવાના જોખમ અંગે ચેતવણી આપી છે. આ દવાઓ બનાવતી કંપનીઓએ હવે તેમના લેબલ પર આ જોખમ વિશે ફરજિયાત ચેતવણી છાપવી પડશે.
FDAએ 9 નવેમ્બર 2026ના રોજ એક એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં જણાવ્યું છે કે આ દવાઓ લેનારા કેટલાક દર્દીઓમાં NAION (નોન-આર્ટેરિટિક એન્ટિરિયર ઇસ્કેમિક ઓપ્ટિક ન્યુરોપથી) નામની દુર્લભ બીમારી જોવા મળી છે. આ બીમારીમાં આંખની નસમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે, જેને સાદી ભાષામાં 'આંખનો સ્ટ્રોક' કહી શકાય.
GLP-1 એગોનિસ્ટ શ્રેણીની આ દવાઓ ડાયાબિટીસ અને સ્થૂળતા નિયંત્રણ માટે વપરાય છે. GLP-1 એ માનવ શરીરમાં કુદરતી રીતે બનતો હોર્મોન છે, જે પાચન અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ દવાઓ શરીરમાં એ જ હોર્મોન જેવું કામ કરે છે: ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે, પેટ ખાલી થવાની પ્રક્રિયા ધીમી કરે છે અને મગજને 'પેટ ભરાઈ ગયું છે' તેવા સિગ્નલ આપે છે, જેથી વ્યક્તિ ઓછું ખાય છે અને વજન ઘટે છે.
NAIONમાં એક આંખમાં અચાનક, પીડા વિના દૃષ્ટિ ઓછી થઈ જાય છે અથવા કાયમ માટે દૃષ્ટિ ગુમાવી શકાય છે. 70% થી 80% દર્દીઓને સવારે ઊઠતી વખતે જ આ અનુભવ થાય છે. તેના લક્ષણોમાં ધૂંધળું દેખાવું, રંગો બદલાયેલા દેખાવા, આંખ સામે અંધારું આવવું અથવા ટનલ વિઝનનો સમાવેશ થાય છે. FDAની સલાહ છે કે આવા લક્ષણો દેખાય તો તરત જ નેત્ર-નિષ્ણાત (ઓપ્થેલ્મોલોજિસ્ટ)નો સંપર્ક કરવો.
આ બીમારી સામાન્ય વસ્તીમાં 1 લાખમાંથી માત્ર 2 થી 10 લોકોને જ થાય છે. તેથી દવા અને બીમારી વચ્ચેનો સીધો સંબંધ સાબિત કરવો મુશ્કેલ છે. વધુમાં, જે લોકોને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, મેટાબોલિક સિન્ડ્રોમ, કિડનીની બીમારી અને સ્લીપ એપનિયા હોય છે, તેમનામાં NAIONનું જોખમ પહેલેથી વધારે હોય છે. GLP-1 દવાઓ લેનારા દર્દીઓમાં પણ આ સમસ્યાઓ સામાન્ય હોય છે.
FDAની ચેતવણી બાદ Novo Nordisk (Ozempic અને Wegovy બનાવતી કંપની)એ જણાવ્યું છે કે અમે હજુ નથી માનતા કે અમારી દવા અને આંખની બીમારી વચ્ચે સીધો સંબંધ છે. આમ છતાં દર્દીઓની સુરક્ષા માટે અમે ડેટા પર નજર રાખી રહ્યા છીએ. Mounjaro અને Zepbound બનાવતી Eli Lillyએ પણ FDA સાથે સહકાર આપીને લેબલ અપડેટ કરવાની તૈયારી દર્શાવી છે.
નોંધ: આ દવાઓ ડૉક્ટરની સલાહ વિના લેવી ન જોઈએ. કોઈપણ દવા શરૂ કરતા પહેલા તેના ફાયદા અને જોખમો વિશે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.