સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની દીકરીની હત્યા કરી ફ્રિજમાં મૂકી, પછી આપઘાત કર્યો

અમરેલીના સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની દીકરીની હત્યા કરી ફ્રિજમાં મૂકી, પછી આપઘાત કર્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. આર્થિક મુશ્કેલીથી પરેશાન એક પિતાએ પોતાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરી, તેના મૃતદેહને ફૂલોથી શણગારીને ફ્રિજમાં મૂક્યો અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૃતકનું નામ કિશોરભાઈ નાથાભાઈ ધાણક (ઉંમર 42) છે. તેઓ આર્થિક તંગી અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. આ તણાવમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાને બદલે તેમણે પોતાની દીકરી હિમાંશીનું ગળું દબાવીને શ્વાસ રૂંધી નાખ્યો. દીકરીના મૃતદેહને ફૂલોથી શણગારીને ફ્રિજમાં મૂક્યા બાદ તેમણે પોતાના રૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.

ઘટના સમયે કિશોરભાઈની પત્ની ઋષિ પાંચમની વિધિ માટે બહારગામ ગઈ હતી. ઘરમાં પિતા અને દીકરી જ હાજર હતા. પરિવારનું આ એકમાત્ર સંતાન હતું, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ મામલો આર્થિક ભીંસ અને આપઘાત નોંધના વર્ણન સાથે સંબંધિત હોવાનું જણાયું છે. સાચી હકીકત પોલીસની વધુ તપાસ બાદ સામે આવશે.