સત્ય. સાહસ. સંકલ્પ.

સાવરકુંડલાના હાડીડા ગામમાં પિતાએ પુત્રીની હત્યા કરી, મૃતદેહ ફ્રીજમાં મૂકી આત્મહત્યા કરી

સાવરકુંડલાના હાડીડા ગામમાં પિતાએ પુત્રીની હત્યા કરી, મૃતદેહ ફ્રીજમાં મૂકી આત્મહત્યા કરી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાડાના મકાનમાંથી પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. પિતાએ પોતાની પાંચ વર્ષની પુત્રીની હત્યા કરીને તેના મૃતદેહને ફ્રીજમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક પિતાની ઓળખ કિશોરભાઈ નાથાભાઈ ધાણક (પરાજીયા સોની) તરીકે થઈ છે. તેઓ બાંધકામની સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. ૧૬ સપ્ટેમ્બરે તેઓ પૈસાની ઉઘરાણી માટે મહુવા જવાનું કહીને ઘરની બહાર નીકળ્યા હતા. સાંજે તેમની પત્ની મંજુબેન અને સગા-સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘર અંદરથી બંધ હતું. ઘણું બોલાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો. અંદર પ્રવેશતાં જ કિશોરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમણે હાથ-પગમાં મોજા પહેર્યા હતા અને મોઢું ઢાંકેલું હતું.

ઘટનાસ્થળેથી પાંચ વર્ષની પુત્રી હિમાંશી ઉર્ફે દીકુ ગાયબ હોવાથી શોધખોળ શરૂ કરાઈ હતી. ફ્રીજમાં બેસાડેલી અવસ્થામાં તેનો મૃતદેહ મળી આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકીના મૃતદેહને આસન પર બેસાડવામાં આવ્યો હતો અને ઢળી ન જાય તે માટે આજુબાજુ ઓશિકાના ટેકા મૂકવામાં આવ્યા હતા. તેના મોઢામાં તુલસીના પાન જેવું પાન મૂકવામાં આવ્યું હતું, ગલગોટાના ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને માથે ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. બાળકીના બંને હાથ ભેગા કરીને તેના હાથમાં પણ કંઈક મૂકવામાં આવ્યું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી કિશોરભાઈએ લખેલી ત્રણ અલગ-અલગ સુસાઈડ નોટ મળી આવી હતી. ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે બાકી પૈસા ન મળતા આર્થિક તંગીથી કંટાળીને તેઓ આ પગલું ભરી રહ્યા છે. પોતાના મૃત્યુ પછી દીકરી અનાથ અને દુઃખી ન થાય તે માટે તેમણે દીકરીને પણ પતાવી દીધી હોવાની અને ફ્રીજમાં મૂકી હોવાની વિગતો લખી માફી માંગી હતી.

કિશોરભાઈએ દીકરીના મોં પર આડો હાથ દઈ શ્વાસ રુંધાવી તેની હત્યા કરી મૃતદેહને ફ્રીજમાં છુપાવી દીધો હતો. તેમને મહુવા ખાતે કરેલા કામના બાકી નીકળતા નાણાં તથા અન્ય ખર્ચ મળી આશરે ૭ લાખ ૨૫ હજાર લેવાના બાકી હતા. લાંબા સમયથી આ રકમ ન મળવાના કારણે અને પર્સનલ લોનનું ભારણ વધતાં પરિવાર ભારે નાણાકીય સંકટમાં મુકાયો હતો.

કિશોરભાઈની પત્ની મંજુબેન ધાણકની ફરિયાદના આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ ૧૦૩(૦૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. PSI પી.એલ. ચૌધરી આ મામલે આગળની કાયદાકીય તપાસ ચલાવી રહ્યા છે.