બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સુઈગામમાં માનવતાને શરમજનક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાના અઢી વર્ષના પુત્રને બોજ ગણીને જીવતો સળગાવી દીધો હતો.
સુઈગામના રાવળવાસમાં રહેતા બાબુભાઈ લખમણભાઈ રાવળે તેમના ભત્રીજા અને હત્યારા અશોક જીતાભાઈ રાવળ વિરુદ્ધ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી અશોકના લગ્ન હિંમતનગરમાં થયા હતા, પરંતુ તેની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે રહેતી હોવાથી અશોક તેના અઢી વર્ષના પુત્ર નવઘણ સાથે સુઈગામમાં એકલો રહેતો હતો.
પત્નીની ગેરહાજરીમાં બાળકની સંભાળ રાખવી અશોક માટે મુશ્કેલ બની ગઈ હતી. બાળકને રાખનારું કોઈ ન હોવાથી અને તેનો ઉછેર કરવો ન હોવાથી, અશોક પોતાના જ સંતાનને બોજ માનવા લાગ્યો હતો.
13 ઓક્ટોબરે બપોરે 1:00 થી 2:00 વાગ્યાના અરસામાં અશોકે તેના અઢી વર્ષના પુત્ર નવઘણ પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો. ત્યારબાદ તે બાળકને દવાખાને લઈ ગયો હતો, પરંતુ બાળકનું મોત નીપજ્યું હતું.
પોતાના ગુનાને છુપાવવા અને મોતનું સાચું કારણ બહાર ન આવે તે માટે અશોકે પરિવારજનો સાથે મળીને સમાજના સ્મશાનમાં બાળકની લાશને જમીનમાં દાટી દઈ અંતિમવિધિ કરી નાખી હતી. જોકે, બાદમાં અશોકના કાકા બાબુભાઈ રાવળને આ સમગ્ર હકીકતની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક સુઈગામ પોલીસ મથકે જઈને ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સ્મશાનમાં ખોદકામ કરીને બાળકનો મૃતદેહ બહાર કાચો હતો અને કબજે કર્યો હતો. ફરિયાદના આધારે સુઈગામ પોલીસે આરોપી પિતા અશોક જીતાભાઈ રાવળ વિરુદ્ધ BNSની કલમ 103(1) હત્યા અને 238 પુરાવાનો નાશ કરવો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પૂછપરછમાં અશોકે પુત્રની હત્યાનો ગુનો કબૂલ્યો છે.