ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં સોમવારે સાંજે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી. માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફળ વિક્રેતાના બે માળના મકાનમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટ્યો હતો, જેના કારણે મકાન ધરાશાયી થઈ ગયું હતું.
આ ઘટનામાં 5થી 6 લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હોવાની આશંકા છે. જોકે, પોલીસે હજુ સુધી મોતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના બે મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોના સહયોગથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ 2 લોકોને સારવાર માટે મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તેની વ્યવસ્થા કરવા પણ તેમણે કહ્યું છે.
પોલીસ સિલિન્ડર ફાટવા પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. કાટમાળ નીચે હજુ કેટલા લોકો દબાયેલા છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.