સત્ય. સાહસ. સંકલ્પ.

FASTag માં મોટો ફેરફાર: હવે બેંક બદલો, સ્ટીકર બદલવાની જરૂર નહીં – 'વનટેગ' સુવિધા લોન્ચ

FASTag માં મોટો ફેરફાર: હવે બેંક બદલો, સ્ટીકર બદલવાની જરૂર નહીં – 'વનટેગ' સુવિધા લોન્ચ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 માં 'વનટેગ' (OneTag) સુવિધા લોન્ચ કરી છે. આ સુવિધા હેઠળ FASTag યૂઝર્સ વાહન પર લગાવેલું સ્ટીકર બદલ્યા વિના પોતાની બેંક બદલી શકશે. આ સુવિધા ઈન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.

હાલમાં બેંક બદલવા માટે જૂનું FASTag બંધ કરાવવું પડતું, નવું ખાતું ખોલાવવું પડતું અને નવું સ્ટીકર લેવું પડતું. વનટેગથી આ લાંબી પ્રક્રિયા નાબૂદ થઈ જશે. આ સુવિધા NHAIની 'રાજમાર્ગયાત્રા' (Rajmargyatra) એપ દ્વારા ઉપલબ્ધ થશે. બેંક બદલતી વખતે યુઝરની પાત્રતા અને ઓળખની ચકાસણી થશે. ત્યારબાદ યૂઝર પોતાની પસંદગીની નવી બેંક પસંદ કરી શકશે. જૂની બેંકની જવાબદારી વોલેટમાં રહેલું બેલેન્સ રિફંડ કરવાની અને બાકી લેવડ-દેવડનો ઉકેલ લાવવાની રહેશે. પોર્ટેબિલિટી પૂર્ણ થયા બાદ નવી બેંક FASTag સેવાઓ સંભાળશે. આ પ્રક્રિયામાં FASTag, ટેગ આઈડી અને વાહન રજીસ્ટ્રેશન નંબર સમાન જ રહેશે.

વનટેગથી ટોલ પ્લાઝાની વર્તમાન વ્યવસ્થામાં કોઈ બદલાવ નહીં આવે. FASTag દ્વારા ટોલ ચૂકવણી પહેલાની જેમ NETC નેટવર્ક દ્વારા જ થશે. વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર કોઈ નવી પ્રક્રિયા અનુસરવાની રહેશે નહીં. આ સુવિધાથી વારંવાર નવા ફિઝિકલ FASTag બનાવવાની, મોકલવાની અને ફરી ઈશ્યૂ કરવાની જરૂરિયાત ઘટશે, જેનાથી સંસાધનોની બચત થશે.

ભારતમાં FASTagનો ઉપયોગ 98%થી વધુ છે. અત્યાર સુધીમાં આશરે 13 કરોડ NETC FASTag ઈશ્યૂ કરવામાં આવ્યા છે, જેમાંથી આશરે 6 કરોડ સક્રિય છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, FASTagના ઉપયોગથી ટોલ બૂથની આવકમાં આશરે 10% (₹7,000 કરોડ)નો વધારો થયો છે, જેનાથી ટોલ આવક વધીને ₹82,000 કરોડથી વધુ થઈ ગઈ છે. ટોલ બૂથ ચલાવવાનો ઓપરેશનલ ખર્ચ પણ 12%થી ઘટીને માત્ર 2-3% રહી ગયો છે. આ વર્ષના અંત સુધીમાં 70%થી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે. એક અભ્યાસ મુજબ, FASTagના કારણે વાહનોના ઈંધણ ખર્ચમાં દર વર્ષે ₹5,250 કરોડથી વધુની બચત થઈ રહી છે.