નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે વાહનચાલકોને ઘણીવાર ટોલ પ્લાઝા પર એવી સમસ્યાનો સામનો કરવો પડે છે જ્યારે FASTag સ્કેન થતો નથી અથવા સર્વર ડાઉન હોવાને કારણે પેમેન્ટ ફેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સૌથી સામાન્ય સવાલ ઊભો થાય છે કે શું આવા સમયે બમણો ટોલ ભરવો પડે છે? ટોલ પ્લાઝા પર આ મુદ્દે કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે બોલાચાલી પણ થતી હોય છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને માર્ગ પરિવહન મંત્રાલયે ટોલ વસૂલાત અંગે નિયમો નક્કી કર્યા છે. જૂના નિયમો હેઠળ વાહન પર FASTag ન હોય અથવા તે સ્કેન ન થાય તો વાહનચાલક પાસેથી સીધો બમણો ટોલ વસૂલવામાં આવતો હતો. હવે આ નિયમમાં ફેરફાર થયો છે અને બમણો ટોલ લાગશે કે નહીં તે તમે ચુકવણી કઈ રીતે કરો છો તેના પર આધાર રાખે છે.
જો FASTag સ્કેન ન થાય ત્યારે તમે રોકડને બદલે Google Pay, PhonePe, Paytm જેવા UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી ચુકવણી કરો છો, તો તમારે બમણો ટોલ ચૂકવવાનો રહેતો નથી. આવી સ્થિતિમાં સામાન્ય ટોલના 1.25 ગણા એટલે કે 25 ટકા વધારાની રકમ ચૂકવવાની રહે છે. બીજી તરફ, જો તમે ડિજિટલ પેમેન્ટને બદલે રોકડમાં ચુકવણી કરો છો, તો લાગુ નિયમો મુજબ તમારે બમણો ટોલ ચૂકવવો પડી શકે છે. સરકારના આ નિર્ણયનો હેતુ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર ઘટાડવો અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો હોવાનું જણાવાય છે.
જો કોઈ વાહનચાલક ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવ્યા વગર નીકળી જાય અને 72 કલાકની અંદર બાકી ટોલની ચુકવણી ન કરે, તો NHAI તેની સામે કડક કાર્યવાહી કરીને બમણો દંડ લાદી શકે છે.
ટોલ પ્લાઝા પર છેતરપિંડી અથવા વધારાની વસૂલાતથી બચવા માટે વાહન પર FASTag હંમેશાં સક્રિય રાખો અને તેમાં પૂરતું બેલેન્સ જાળવો. જો સ્કેનરની ખામીને કારણે FASTag રીડ ન થાય તો રોકડમાં ચૂકવણી કરવાને બદલે UPI દ્વારા 1.25 ગણો ચાર્જ ચૂકવો અને તેની રસીદ ચોક્કસ લઈ લો.
નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે.