રોજ હાઈવે પરથી મુસાફરી કરતા લોકો માટે ટોલનો ખર્ચ હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે FASTag ના નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે.
1 નવેમ્બર, 2026થી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહન માલિકોને 'કન્સેશનલ લોકલ પાસ' આપવામાં આવશે. સ્થાનિક લોકોને આનો સીધો આર્થિક ફાયદો થશે.
સરકારની જાહેરાત મુજબ પાસની વાર્ષિક ફી ટોલ પ્લાઝાના સ્થાન પરથી નક્કી થશે. ટોલ પ્લાઝા કોઈ મ્યુનિસિપલ કે સ્થાનિક શહેરની હદની બહાર હશે તો વાર્ષિક ફી ₹1,500 રહેશે. ટોલ પ્લાઝા શહેરની હદમાં હશે તો વાર્ષિક ફી ₹3,000 રહેશે.
₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મળશે?
ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે ₹1,500ના પાસમાં કેટલી ટ્રિપ મફત મળશે. અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ લોકલ પાસમાં 200 ટ્રિપ જેવી કોઈ નિશ્ચિત મર્યાદા રાખવામાં આવી નથી. આ સામાન્ય FASTag વાર્ષિક પાસ જેવો 200-ટ્રિપ પાસ નથી, પરંતુ સ્થાનિક લોકોની સુવિધા માટે બનાવાયેલો ખાસ કન્સેશનલ લોકલ પાસ છે.
આ પાસ સંબંધિત ટોલ પ્લાઝા પરથી નિયમિત અને સ્થાનિક મુસાફરી માટે પૂરા એક વર્ષ સુધી માન્ય રહેશે. જો તમે ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહો છો અને રોજ એ જ ટોલ પ્લાઝા પરથી પસાર થાઓ છો, તો દર વખતે અલગ ટોલ ફી ચૂકવવાની જરૂર નહીં પડે. એક વાર વાર્ષિક ફી ભરીને તમે આખું વર્ષ મુસાફરી કરી શકશો.
કોને મળશે આ પાસનો લાભ?
આ પાસ મેળવવા માટે વાહન માલિકે ચોક્કસ શરતો પૂરી કરવી પડશે:
વાહન ખાનગી હોવું જોઈએ અને તેનું રજિસ્ટ્રેશન બિન-વાણિજ્યિક ઉપયોગ માટે થયેલું હોવું જોઈએ.
વાહન પર માન્ય અને સક્રિય FASTag લાગેલો હોવો જોઈએ.
સૌથી મહત્ત્વની શરત એ છે કે વાહન માલિકનું કાયમી રહેઠાણ સંબંધિત ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર હોવું જોઈએ.
ફક્ત ટોલ પ્લાઝાની નજીક રહેવાથી પાસ આપોઆપ મળી જશે નહીં. વાહન માલિક અને વાહન બંને નિયમો મુજબ પાત્ર હોવા જોઈએ.
ક્યાં આ પાસ માન્ય નહીં ગણાય?
આ પાસ દરેક ટોલ પ્લાઝા પર માન્ય રહેશે નહીં. તમે જે ચોક્કસ ટોલ પ્લાઝા માટે પાસ કઢાવ્યો હશે, તેનો ઉપયોગ ફક્ત ત્યાં જ કરી શકાશે. દેશના બીજા કોઈ પણ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર આ પાસથી મફત મુસાફરી થઈ શકશે નહીં.
ઉપરાંત, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે એક્સપ્રેસવે પર 'ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ' અમલમાં હશે ત્યાં આ સ્થાનિક પાસની સુવિધા મળશે નહીં. સાથે જ, સ્થાનિક મુસાફરો માટે સર્વિસ રોડ કે બીજો વૈકલ્પિક માર્ગ પહેલેથી ઉપલબ્ધ હશે તો પણ આ પાસનો લાભ આપવામાં આવશે નહીં.