આજકાલ સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે અને ફોન ઝડપથી ચાર્જ થાય તે માટે લોકો ફાસ્ટ ચાર્જર અને સારા કેબલનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે Type-A કેબલ વધુ ઝડપી ચાર્જ કરે છે કે Type-C કેબલ? કેટલાક લોકો માને છે કે માત્ર Type-C to Type-C કેબલથી જ ફાસ્ટ ચાર્જિંગ થઈ શકે છે, જ્યારે કેટલાક લોકો માને છે કે વધુ વોટનું ચાર્જર હોય એટલે ફોન ઝડપથી ચાર્જ થશે. હકીકતમાં ફાસ્ટ ચાર્જિંગ માટે માત્ર કેબલનો પ્રકાર જ જવાબદાર નથી.
Type-A જૂનો USB કનેક્ટર છે, જેનો ઉપયોગ ઘણા વર્ષોથી ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. બીજી તરફ, Type-C એક આધુનિક કનેક્ટર છે, જેમાં વધુ પિન હોવાથી તે ઝડપી ડેટા ટ્રાન્સફર અને વધુ પાવર માટે ઉપયોગી બની શકે છે. Type-C કનેક્ટરની ખાસિયત એ પણ છે કે તેને ફોનમાં ઉપર કે નીચે કોઈપણ રીતે લગાવી શકાય છે, તેથી તેનો ઉપયોગ વધુ સરળ છે.
પરંતુ માત્ર Type-C કેબલ હોવાને કારણે ફોન હંમેશાં ઝડપથી ચાર્જ થાય એવું જરૂરી નથી. ફાસ્ટ ચાર્જિંગ માટે ફોન, ચાર્જર અને કેબલ ત્રણેય એકબીજા સાથે સુસંગત હોવા જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમારો ફોન 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતો હોય પરંતુ તમે 18Wનું ચાર્જર વાપરો છો, તો ફોન 65Wની ઝડપે ચાર્જ નહીં થાય. આ જ રીતે કેબલ પણ જરૂરી પાવર સપોર્ટ કરતી હોવી જોઈએ.
Type-A કેબલથી પણ કેટલીક પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપી ચાર્જિંગ થઈ શકે છે. કેટલીક કંપનીઓ પોતાની ખાસ ફાસ્ટ-ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં ખાસ કેબલ અને ચાર્જિંગ પ્રોટોકોલ જરૂરી હોઈ શકે છે. તેથી કેટલીક Type-A કેબલ દ્વારા પણ 80W, 100W અથવા 120W જેવી ઝડપી ચાર્જિંગ સ્પીડ મળી શકે છે. એટલે Type-A એટલે ધીમું અને Type-C એટલે ઝડપી આવું સીધું માનવું યોગ્ય નથી.
Type-C કેબલનો એક મોટો ફાયદો USB Power Delivery એટલે કે USB PDનો સપોર્ટ છે. યોગ્ય ફોન, ચાર્જર અને કેબલમાં USB PD સપોર્ટ હોય તો વધુ પાવર ટ્રાન્સફર કરી શકાય છે. આ કારણે Type-Cનો ઉપયોગ માત્ર સ્માર્ટફોનમાં જ નહીં, પરંતુ ટેબલેટ અને લેપટોપ જેવા ડિવાઇસને ચાર્જ કરવા માટે પણ થાય છે. જોકે, અહીં પણ ત્રણેય ઉપકરણોમાં જરૂરી સપોર્ટ હોવો જરૂરી છે.
તમારા ફોન માટે કઈ કેબલ વાપરવો તે અંગે સૌથી સરળ સલાહ એ છે કે ફોન સાથે બોક્સમાં મળેલી મૂળ કેબલનો ઉપયોગ કરવો. કંપની દ્વારા આપવામાં આવેલી કેબલ સામાન્ય રીતે ફોન અને તેના ચાર્જિંગ સિસ્ટમ સાથે યોગ્ય રીતે કામ કરવા માટે બનાવવામાં આવે છે. ખાસ કરીને કેટલીક કંપનીઓ નમાં જો કોઈ ખાસ ફાસ્ટ-ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી હોય, તો કંપનીની મૂળ કેબલનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહે છે.
જો કેબલ ખરાબ થઈ જાય અથવા ખોવાઈ જાય, તો તેની જગ્યાએ સમાન સ્પેસિફિકેશન ધરાવતી કેબલ લેવો જોઈએ. ખાસ કરીને 25W, 45W, 65W કે તેનાથી વધુ ફાસ્ટ ચાર્જિંગ ધરાવતા ફોનમાં યોગ્ય ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવો જરૂરી છે. USB PD આધારિત ચાર્જિંગમાં યોગ્ય Type-C કેબલની જરૂરિયાત પણ હોઈ શકે છે. સસ્તી અથવા અસંગત કેબલ વાપરવાથી ફોનને મળતી ચાર્જિંગ સ્પીડ ઓછી થઈ શકે છે.
અંતે વાત એટલી જ છે કે ફોન ઝડપથી ચાર્જ કરવા માટે માત્ર Type-A કે Type-C કેબલ જોવી પૂરતી નથી. ફોનની ફાસ્ટ-ચાર્જિંગ ક્ષમતા, ચાર્જરની પાવર, કેબલની ક્ષમતા અને ચાર્જિંગ પ્રોટોકોલ આ ચારેય બાબતો મહત્વની છે. સામાન્ય રીતે Type-C વધુ આધુનિક અને વધુ પાવર માટે સક્ષમ કનેક્ટર છે, પરંતુ યોગ્ય ચાર્જર અને ફોન સપોર્ટ વગર માત્ર Type-C કેબલથી ફાસ્ટ ચાર્જિંગ મળશે નહીં. તેથી તમારા ફોન સાથે મળેલી મૂળ કેબલ અને યોગ્ય ચાર્જરનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય વિકલ્પ છે.