જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ બારામુલ્લામાં એક સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કાશ્મીરીઓના અસ્તિત્વને પાકિસ્તાન સાથે જોડતા કહ્યું કે, 'કાશ્મીરીઓ માત્ર એટલા માટે બચ્યા છે કારણ કે પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવે છે. બાકી ભારત સરકારના તેમના પ્રત્યેના ઈરાદા બરાબર નથી.'
આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની કલમ 370 ફરી લાગુ કરવાની માંગ દોહરાવી હતી. ફારુક અબ્દુલ્લાએ લોકોને પોતાના હક માટે લડવા અને એકજૂટ થવા હાકલ કરી હતી.
તેમના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીર ભાજપના નેતા યુદ્ધવીર સેઠીએ કહ્યું કે, પાકિસ્તાનને કાશ્મીરીઓના શુભચિંતક તરીકે દર્શાવવું એ દેશવિરોધી કૃત્ય છે. તેમણે ફારુક અબ્દુલ્લા સામે દેશદ્રોહનો ગુનો નોંધવા અને તેમણે દેશની માફી માંગવી જોઈએ એવી માંગ કરી છે.
સંમેલનમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'જ્યાં સુધી તમે પોતાના પગ પર ઊભા નહીં રહો, ત્યાં સુધી તમને ક્યારેય સન્માન નહીં મળે. મારી આ વાત યાદ રાખજો. જો તમે પગભર થવા માંગતા હોવ તો સૌ પ્રથમ તમારા ઈશ્વરને યાદ કરો અને તેમના બતાવેલા સાચા માર્ગ પર ચાલો.' તેમણે ઉમેર્યું કે આ જ સાચી શક્તિ છે અને આપણે રાજકારણમાં એવા ઘણા મોટા નેતાઓને જોયા છે જેમણે લોકો પર અત્યાચાર ગુજાર્યા છે. તેથી જ્યાં સુધી લોકો એકજૂટ નહીં થાય, ત્યાં સુધી કોઈ અધિકાર મેળવી શકાશે નહીં.
નવી પેઢી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, 'આપણા બાળકો કોઈ ઈતિહાસ જાણતા નથી. પૂછો કે આપણે ક્યાં હતા અને અહીં સુધી કેવી રીતે પહોંચ્યા. આજે આપણા બાળકો હાથમાં મોબાઈલ લઈને ફરે છે પરંતુ માતા-પિતાને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. જમ્મુમાં NC, કોંગ્રેસ અને BJP છે જ્યારે કાશ્મીરમાં કેટલી બધી પાર્ટીઓ ઊભી કરી દેવામાં આવી? દરેક ઘરમાં પાર્ટી ઊભી કરાઈ છે. બસ પૈસા આવે છે અને લોકો પોતાનું ઈમાન વેચવા તૈયાર થઈ જાય છે.'
ભાજપ શાસિત રાજ્યોમાં ચાલતા બુલડોઝર એક્શન પર પણ તેમણે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'ભારતના બાકીના ભાગોમાં જ્યાં ભાજપની સરકારો છે, શું તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે લોકોની વસાહતો ઉજ્જડ કરવામાં આવી રહી છે, લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે અને દુકાનો તોડવામાં આવી રહી છે? શું આ બધું તમારાથી છુપાયેલું છે?' તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર જમ્મુ-કાશ્મીરની ઓળખ છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે કલમ 370 ની પુનઃસ્થાપના માટે લડત ચાલુ રહેશે, કારણ કે પોતાના હકની માંગ કરવી એ દેશવિરોધી હોવું નથી.