બોલિવૂડ અભિનેતા અને નિર્માતા ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાનીની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સામે ગીત ચોરીનો ગંભીર આરોપ લાગ્યો છે. રાજસ્થાની લોકગાયક રૈપરિયા બાલમે આરોપ લગાવ્યો છે કે તેમના ગીત 'શૂરવીર'નો ઉપયોગ મિર્ઝાપુર ધ મૂવીમાં તેમની પરવાનગી વગર કરવામાં આવ્યો છે. આ મામલે તેમણે એક્સેલ એન્ટરટેઈનમેન્ટને કાનૂની નોટિસ મોકલી છે.
મિર્ઝાપુર ધ મૂવી સપ્ટેમ્બર ૨૦૨૬માં રિલીઝ થઈ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં ગેંગવોરના દ્રશ્ય દરમિયાન 'શૂરવીર' ગીત વગાડવામાં આવ્યું છે. રૈપરિયા બાલમનું કહેવું છે કે આ ગીત તેમણે એવા વીરોની યાદમાં બનાવ્યું હતું જેમણે દેશ માટે પોતાના જીવ આપ્યા. પરંતુ ફિલ્મમાં તેનો ઉપયોગ ગેંગસ્ટરના પાત્રની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યો, જે તેમને યોગ્ય લાગતું નથી.
આ મામલે ટુપર રેકોર્ડનો દાવો છે કે તેમની પાસે ગીતના હક્ક છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટે તેમની પાસેથી જ લાઇસન્સ લીધું હતું. બીજી તરફ રૈપરિયા બાલમનું કહેવું છે કે ગીતના હક્ક તેમની પાસે છે અને કંપનીએ યોગ્ય દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર ગીતનો ઉપયોગ કર્યો છે.
રૈપરિયા બાલમ અને તેમના ભાઈએ એક મુલાકાતમાં આ વિવાદ પર ખુલાસો કર્યો હતો. તેમના ભાઈએ જણાવ્યું કે 'શૂરવીર' જેવા ગીતનો હેતુ યુવાનોને ભારતીય ઇતિહાસ અને મહાન યોદ્ધાઓ વિશે જાણકારી આપવાનો હતો. મિર્ઝાપુરમાં આ ગીતને મુન્ના ભાઈ જેવા પાત્રના બ્રેકગ્રાઉન્ડમાં વાપરવામાં આવ્યું છે, જેનાથી મહારાણા પ્રતાપ અને રાજસ્થાની સંસ્કૃતિની છબી પર ખોટી અસર પડે છે.
તેમણે એમ પણ કહ્યું કે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરહાન તરફથી કોઈ જવાબ મળ્યો નથી, જ્યારે રિતેશની ટીમે કહ્યું કે તેમણે રૈપરિયા બાલમ સાથે વાત કરી હતી.
કાનૂની નોટિસમાં તેમણે ત્રણ માંગણીઓ ઉઠાવી છે. પહેલી માંગ એ છે કે ફિલ્મમાંથી 'શૂરવીર' ગીત દૂર કરવામાં આવે. બીજી માંગ જાહેરમાં માફી માંગવાની છે અને ત્રીજી માંગ મહારાણા પ્રતાપના નામે એક શાળા બનાવવાની છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ તરફથી આ મામલે તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો નથી.