પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતીને સ્થગિત કર્યા બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફરક્કા જળ સંધિ પણ ચર્ચામાં આવી છે. આ સંધિની મુદત આગામી ડિસેમ્બર 2026માં પૂરી થાય છે. ત્યારે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને રાજ્યોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લે તેવી શક્યતા છે.
બાંગ્લાદેશ સાથે 12 ડિસેમ્બર 1996ના રોજ થયેલી આ સંધિ 1 જાન્યુઆરીથી 31 મે વચ્ચે ગંગાના પાણીના વિતરણને નક્કી કરે છે. હવે આ કરાર પૂરો થવામાં છે, ત્યારે બંને દેશો વચ્ચે નવેસરથી વાટાઘાટની જરૂર પડશે.
બિહારમાં આ સંધિ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. બિહાર સરકાર અને શાસક પક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના નેતાઓ માને છે કે ફરક્કા બેરેજની ખામીયુક્ત રચના અને તેના કારણે ગંગા નદીમાં મોટા પ્રમાણમાં જમા થતી માટીના કારણે નદીનો પ્રવાહ અને તળ ઊંચું આવી ગયું છે. આથી દર વર્ષે ચોમાસામાં બિહારના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થાય છે, જ્યારે ઉનાળામાં પાણીનું સ્તર ઘટી જવાથી જળસંકટ સર્જાય છે.
જદયુના નેતાઓએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે સંધિ નવીકરણ કરતા પહેલા વર્ષ 2050 સુધીની ગંગા બેસિનના રાજ્યોની પાણીની જરૂરિયાતોનો વ્યાપક અભ્યાસ કરવામાં આવે. જદયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે જણાવ્યું કે પૂર્વ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર વર્ષોથી માટી પ્રબંધન અને ગંગાની અવિરલતાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.
અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે સરકાર બિહારની સુરક્ષા અને જરૂરિયાતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જ યોગ્ય નિર્ણય લેશે.
ભારતની વિદેશ નીતિ હંમેશાં પડોશી દેશો સાથે સંતુલન અને સહયોગની રહી છે, પરંતુ કેટલાક પાડોશી દેશોની સ્થાનિક રાજનીતિને કારણે અવારનવાર અવરોધો ઊભા થાય છે. હવે બાંગ્લાદેશનું વલણ રક્ષણાત્મક બન્યું છે અને ભારત સમક્ષ પોતાની આંતરિક સુરક્ષા તથા રાજ્યોના જળ અધિકારોનું રક્ષણ કરવાનો મોટો પડકાર છે.