અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના સપના સાથે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સરકારના અંડરકવર સ્ટિંગ ઓપરેશન હેઠળ ચલાવવામાં આવેલી નકલી 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન'માં પ્રવેશ લેનારા 5 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી ફેડરલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તેમણે ટ્યુશન ફી પરત મેળવવા માટે દાખલ કરેલી સામૂહિક અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમણે 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન'ને એક અસલી અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા માનીને પ્રવેશ મેળવ્યો અને લાખો રૂપિયાની ફી ચૂકવી. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે આ યુનિવર્સિટી કોઈ શૈક્ષણિક સંસ્થા નહીં, પરંતુ વિઝા ફ્રોડ પકડવા માટે અમેરિકી સરકારે ઊભી કરેલી જાળ હતી. તેથી તેમણે પોતાની ફી પરત મેળવવાની માગ કરી હતી.
જોકે, કોર્ટે આ દલીલ સ્વીકારી નહીં અને સ્પષ્ટ જણાવ્યું કે આ યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થીને નિર્દોષ પીડિત ગણી શકાય નહીં. કોર્ટના અવલોકન મુજબ, ઘણા વિદ્યાર્થીઓને એ વાતની જાણ હતી કે આ સંસ્થા માત્ર સ્ટુડન્ટ વિઝા પર ગેરકાયદે રીતે દેશમાં રોકાઈ રહેવા માટેનું નકલી માધ્યમ છે.
અમેરિકામાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓનું વર્ક ઓથોરાઈઝેશન પૂરું થવાના આરે હોય છે. રોકાણ લંબાવવા માટે તેઓ કોઈ પણ માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ લઈ લેતા હોય છે, જેથી તેમને વધુ બે વર્ષ સ્ટુડન્ટ વિઝા મળે. આ પ્રકરણ પણ આવી 'પે-ટુ-સ્ટે' (પૈસા ચૂકવો અને રહો) વ્યવસ્થા સાથે જોડાયેલું છે.
યુએસ કોર્ટ ઓફ ફેડરલ ક્લેમ્સના ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું કે આ મામલો સામૂહિક સુનાવણી માટે યોગ્ય નથી. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે અરજી કરતી વખતે, પ્રવેશ મેળવતી વખતે અને ફી ચૂકવતી વખતે દરેક વિદ્યાર્થીને આ નકલી વ્યવસ્થાની જાણ હતી કે નહીં. જો તમામ વિદ્યાર્થીઓને એક જ સામૂહિક સુનાવણી હેઠળ લાવવામાં આવે તો નિર્દોષ અને દોષિત બંને એક જ હરોળમાં આવી જશે. આમ કરવાથી જાણીજોઈને કાયદાનો ભંગ કરનારાઓને ખોટો ફાયદો મળશે અને ખરા નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. કોર્ટ માટે અજાણતા ફસાયેલા અને જાણીજોઈને ભાગ લેનારા વિદ્યાર્થીઓને અલગ તારવવા અશક્ય છે.
'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન' એ અમેરિકાના મિશિગન રાજ્યમાં હોમલેન્ડ સિક્યુરિટી ઈન્વેસ્ટિગેશન્સ (HSI) અને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન પેપર ચેઝ'નો ભાગ હતું. આ કોઈ અસલી કોલેજ કે યુનિવર્સિટી નહોતી, પરંતુ સ્ટુડન્ટ વિઝાના નામે થતી ગેરરીતિઓ અને કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે તૈયાર કરાયેલું અંડરકવર સેટઅપ હતું. કોર્ટના દસ્તાવેજો મુજબ, આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન કરોડોની ફી ઉઘરાવવામાં આવી હતી.