સત્ય. સાહસ. સંકલ્પ.

ઓનલાઇન ટ્રાફિક દંડ ભરવાના નામે 10 કરોડની છેતરપિંડી: 5 ઝડપાયા, 544 ફરિયાદો

ઓનલાઇન ટ્રાફિક દંડ ભરવાના નામે 10 કરોડની છેતરપિંડી: 5 ઝડપાયા, 544 ફરિયાદો

દિલ્હી પોલીસે ઓનલાઇન ટ્રાફિક ચલણ ભરવાના નામે લોકોને ચૂનો લગાવતી એક સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ નકલી લિંક્સ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરતી હતી. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ સામે અત્યાર સુધીમાં 544 ફરિયાદો નોંધાઈ છે, જેમાં આશરે 10 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું અનુમાન છે. આરોપીઓ ‘વિંગો કેશ’ નામની એપનો ઉપયોગ કરીને લોકોને નકલી મેસેજ મોકલતા હતા.

આ મામલો 28 નવેમ્બર 2025ના રોજ નોંધાયેલી એક ફરિયાદથી શરૂ થયો હતો. એક વ્યક્તિને ટ્રાફિક ચલણ ભરવાનો મેસેજ આવ્યો હતો, જેમાં આપેલી લિંક પર ક્લિક કરતાં તેના ક્રેડિટ કાર્ડમાંથી 2,21,000 રૂપિયા કપાઈ ગયા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ લગભગ 3,300 નકલી મેસેજ મોકલીને લોકોની ઉતાવળનો લાભ લીધો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ ઠગ ટોળકી ‘વિંગો કેશ’ એપનો ઉપયોગ કરતી હતી. જ્યારે કોઈ સામાન્ય યુઝર આ એપ પર રિવોર્ડ મેળવવાનો પ્રયાસ કરતો, ત્યારે તેના મોબાઇલમાંથી દર 30 સેકન્ડમાં 9થી 12 નકલી મેસેજ અન્ય લોકોને આપોઆપ મોકલાઈ જતા. આ કામ બદલ તે યુઝરને માત્ર 1થી 3 રૂપિયા મળતા, જ્યારે સાયબર ઠગ તેનો ઉપયોગ છેતરપિંડીની લિંક્સ ફેલાવવા માટે કરતા હતા.

પોલીસે જ્યારે પૈસાની લેવડદેવડની તપાસ કરી ત્યારે કુવૈતની એક નેશનલ બેંક અને મુંબઈની ‘શ્રી બાલાજી એન્ટરપ્રાઇઝિસ’ના ખાતાની વિગતો સામે આવી હતી. આ કંપનીના ખાતામાંથી માત્ર 3 દિવસમાં 41,000થી વધુ યુઝર્સના ખાતાઓ સાથે શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હી પોલીસે આ ગુનામાં સામેલ મોતી સિંહ વાઘેલા, હરશપાલ, વિકી, વિશાલ દાસ વૈષ્ણવ અને બ્રજેશ કુમારની ધરપકડ કરી છે. આ આરોપીઓ બોગસ દસ્તાવેજો બનાવીને બેંક ખાતા ખોલાવવા અને પૈસાની હેરાફેરી કરવાનું કામ કરતા હતા. તેમની પાસેથી 15 મોબાઇલ ફોન, ટેબ્લેટ, 59 ડેબિટ કાર્ડ, 52 પાસબુક, ચેકબુક, 14 કંપની સ્ટેમ્પ, 5 પીઓએસ મશીન, 8 ક્યુઆર કોડ સ્કેનર, સોનાની ચેઇન અને એક કાર જપ્ત કરવામાં આવી છે.