અમદાવાદમાં તહેવારોના દિવસોમાં ખાદ્ય ભેળસેળ કરતા તત્ત્વો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં ગોતા વિસ્તારમાંથી નકલી ટોમેટો સોસ અને કેચઅપ બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે.
ફૂડ વિભાગની ટીમે દરોડો પાડીને ‘આર.કે. ફૂટ કોર્ડિયલ’ નામથી વેચવામાં આવતો અંદાજે 10 ટન જેટલો શંકાસ્પદ અને નકલી સોસનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં દાણીલીમડા-પીરાણા રોડ પર આવેલા એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં લાયસન્સ વગર અસ્વચ્છ પરિસ્થિતિમાં બનાવટી અને હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. ફૂડ વિભાગે સ્થળ પરથી 2,000 કિલો જેટલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત કરીને સમગ્ર જગ્યાને સીલ કરી દીધી હતી.
ફૂડ વિભાગની આ સતત કાર્યવાહી દર્શાવે છે કે તહેવારોની મોસમમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે વિભાગ વધુ સતર્ક બન્યું છે. જોકે, જપ્ત કરાયેલા માલના નમૂનાના પરીક્ષણ અને આગળની કાનૂની કાર્યવાહી અંગે વિભાગ તરફથી વધુ વિગતો હજુ જાહેર થઈ નથી.