અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતા નકલી ચાંદીના વરખનું વેચાણ કરતું એકમ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે સીલ કર્યું છે. કાલુપુર વિસ્તારમાં આવેલા આ એકમમાંથી 170 ડુપ્લિકેટ વરખના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 42,500 રૂપિયા થાય છે.
આ મામલો મેમકો વિસ્તારમાં આવેલી એક લારી પર વરખ લગાવેલા બિસ્કિટના રેપિડ ટેસ્ટથી સામે આવ્યો હતો. ફૂડ વિભાગે સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કિટથી બિસ્કિટ પર લગાવવામાં આવેલા વરખની તપાસ કરતાં પ્રાથમિક રીતે તે ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. ત્યારબાદ વિભાગે વધુ તપાસ કરતાં આ બિસ્કિટ પર ઉપયોગમાં લેવાયેલો વરખ કાલુપુર વિસ્તારમાંથી વેચાણ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ માહિતીના આધારે વિભાગે ડમી ગ્રાહકનો ઉપયોગ કરીને કાલુપુરના વેપારી એકમમાં ચાંદીના વરખની તપાસ કરી હતી. રેપિડ ટેસ્ટમાં ત્યાં વેચવામાં આવતો ચાંદીનો વરખ પણ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. આ વરખ એલ્યુમિનિયમનો હોવાની શક્યતા છે, જોકે તેની ધાતુની ઓળખ અંગે અંતિમ પુષ્ટિ નમૂનાના પરીક્ષણ બાદ જ થઈ શકશે. ત્યારબાદ અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતાં કુલ 170 પેકેટ ડુપ્લિકેટ ચાંદીનો વરખ મળી આવ્યો હતો. એક પેકેટમાં 10 પત્તા હતા અને એક પત્તાની કિંમત 25 રૂપિયા મુજબ પેકેટના 250 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ પ્રમાણે 170 પેકેટની કુલ કિંમત 42,500 રૂપિયા થાય છે.
આ જ એકમમાં ઓરિજિનલ સોનાના વરખનું પણ વેચાણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેના એક પેકેટમાં 10 પત્તા હતા અને એક પત્તાની કિંમત 100 રૂપિયા મુજબ પેકેટના 1,000 રૂપિયા છે. વિભાગે ઓરિજિનલ સોનાના વરખ તેમજ ડુપ્લિકેટ ચાંદીના વરખના નમૂના લઈને વધુ તપાસ માટે મોકલ્યા છે. જાહેર આરોગ્યના હિતમાં સંબંધિત એકમને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન ફૂડ વિભાગે એકમના ફૂડ બિઝનેસ ઓપરેટર પાસે વરખ કયા કયા સ્થળોએ વેચવામાં આવ્યો છે તેની વિગતો અને ખરીદ-વેચાણના બિલો રજૂ કરવા જણાવ્યું હતું. જો કે, એકમના સંચાલક દ્વારા માગવામાં આવેલી વિગતો કે બિલો રજૂ કરવામાં આવ્યા નથી. આથી નકલી વરખનો જથ્થો ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો અને શહેરમાં કયા કયા વેપારીઓને તેનું વેચાણ થયું હતું તે અંગેની તપાસ ચાલુ રાખવામાં આવી છે. વિભાગ દ્વારા વેચાણની વિગતો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.