અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વહેલી સવારે ફરવા આવતા યુગલોના ફોટા અને વીડિયો ઉતારી, નકલી પોલીસ બનીને નાણાં પડાવતા એક શખ્સને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે છટકું ગોઠવીને ઝડપી લીધો છે. આરોપીની ઓળખ ગોમતીપુરના મોહમ્મદ હુસૈન ઉર્ફે હડ્ડી કમરુદ્દીન શેખ તરીકે થઈ છે.
પોલીસ મથકમાં અલગ-અલગ યુગલો દ્વારા આ પ્રકારે ધમકાવીને નાણાં પડાવવા અંગે રજૂઆતો મળ્યા બાદ પોલીસે વ્યૂહાત્મક ગોઠવણ કરી હતી. ગત 24 મેના રોજ એક 23 વર્ષીય યુવક અને તેની મહિલા મિત્રને ડરાવી-ધમકાવીને ઓનલાઈન 10 હજાર રૂપિયા પડાવી લેવાના મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ ટ્રેપ ગોઠવી હતી, જેમાં આરોપીને ઓડિયો અને વીડિયો પુરાવા સાથે રંગેહાથ ઝડપી લેવાયો છે.
બનાવની વિગત મુજબ, ગત 24 મેના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે 23 વર્ષીય એક યુવક પોતાની મહિલા મિત્ર સાથે મોટરસાયકલ પર રિવરફ્રન્ટ ખાતે ફરવા ગયો હતો. તેઓ વોક-વે પર બેઠા હતા ત્યારે એક શખ્સ તેની પાસે આવ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. તેણે યુગલના ફોટા પાડી લીધા હોવાનું કહી, બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તેમજ સોશિયલ મીડિયા પર અને પરિવારમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
આરોપીએ બંનેના મોબાઈલ ફોન આંચકી લીધા હતા અને ગાળો ભાંડીને ફોટા ડિલીટ કરવા અને બાબત રફેદફે કરવાના બદલામાં 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવકના ખાતામાં 4 હજાર રૂપિયા જ હોવાથી તેણે પોતાના મિત્રને ફોન કરી બાકીના 6 હજાર રૂપિયા ગુગલ પે મારફતે મંગાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાના મોબાઈલમાંથી એક QR કોડ સ્કેન કરાવ્યો હતો, જેમાં 'સૈયદ નૂર મીર' નામ દર્શાવતું હતું. યુવકે આ ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા.
રૂપિયા મેળવ્યા બાદ આરોપી આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પીડિત યુવકે પોલીસનો સંપર્ક કરતા તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, પોલીસની ખોટી ઓળખ આપીને બળજબરીથી નાણાં પડાવનાર આ શખ્સ ગોમતીપુરનો મોહમ્મદ હુસૈન ઉર્ફે હડ્ડી કમરુદ્દીન શેખ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.