સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ખોખરામાં નકલી પોલીસ ઝડપાયો, મહિલા વેપારીને રૂ. 23,500 નો ચૂનો લગાવ્યો

અમદાવાદ: ખોખરામાં નકલી પોલીસ ઝડપાયો, મહિલા વેપારીને રૂ. 23,500 નો ચૂનો લગાવ્યો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપીને એક વેપારી મહિલા પાસેથી રૂ. 23,500 પડાવી લેનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ અલ્પેશ પરમાર છે અને તે અમરાઈવાડી વિસ્તારમાં રહે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગત 30 ઓક્ટોબર 2026ના રોજ ફરિયાદી સંગીતાબેન નીલેશભાઈ પટેલે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે અલ્પેશ પરમારે પોતે પોલીસ અધિકારી હોવાનું કહીને તેમના બાકીના નાણાં કઢાવી આપવાની લાલચ આપી હતી અને પોતાની ઓળખનો દુરુપયોગ કરીને કુલ રૂ. 23,500 પડાવી લીધા હતા.

ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને અલ્પેશ પરમારની ધરપકડ કરી છે અને તેની પાસેથી રકમ રિકવર કરી છે. જોકે, તેની પાસેથી પોલીસનું કોઈ આઈ-કાર્ડ કે સરકારી સામગ્રી મળી આવી નથી.

તપાસમાં સામે આવ્યું છે કે અલ્પેશ પરમાર સામે છેલ્લા 12 વર્ષમાં 4 કેસ નોંધાયા છે. તે અગાઉ 2014, 2018 અને 2025માં પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ તરીકેની ઠગાઈના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, તે સ્થાનિક લોકોને પોતાની પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને છેતરતો હતો.

હાલ ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમ આ બાબતે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.