અમદાવાદ: ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પ્રણવકુમાર પટેલની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ નકલી પાસપોર્ટ બનાવવાના કેસમાં ધરપકડ કરી છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા હરિકેશ પટેલે પોતાનો અસલ પાસપોર્ટ પહેલેથી જ કોર્ટમાં જમા કરાવેલો હોવા છતાં, છુપાવીને બીજો પાસપોર્ટ મેળવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે હરિકેશ પટેલનો મૂળ પાસપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ચર્ચિત પાવરબેંક એપ મની લોન્ડરિંગ કેસ સંબંધિત કાર્યવાહી હેઠળ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આરોપીને આગોતરા જામીન મળ્યા બાદ EDએ જામીન રદ કરાવ્યા હતા, જેથી ધરપકડનો ભય ઊભો થયો હતો. આ દરમિયાન આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં પોતાનો પાસપોર્ટ ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી.
ATSની તપાસ મુજબ, હરિકેશ પટેલે ઉત્તર પ્રદેશના આગ્રાના ખોટા સરનામા અને બનાવટી ભાડા કરારના આધારે ગાઝિયાબાદના પાસપોર્ટ કાર્યાલય (RPO)માંથી બીજો ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને તે નેપાળ અને ભૂટાન થઈને બેંગકોક, સિંગાપોર અને દુબઈની મુસાફરી કરી હતી.
આરોપી હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી તથા આઈટી એક્ટ હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે. ગુજરાત ATSએ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પાસપોર્ટ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.