અમદાવાદના હરિકેશ પટેલ સામે ગુજરાત એટીએસ (ATS) એ નકલી પાસપોર્ટ કૌભાંડમાં ગુનો નોંધ્યો છે. હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર છે.
અમદાવાદના શાહીબાગ કેમ્પ રોડ પર મિરાપાર્ક સોસાયટી પાસે ઉર્મી બંગલોઝમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલ સામે પાવરબેંક એપ મની લોન્ડરિંગ કેસમાં ઇડી (ED) તપાસ ચલાવી રહી છે. આ કેસમાં તેમનો મૂળ ભારતીય પાસપોર્ટ તપાસ અધિકારી અને કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે હરિકેશે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પોતાનો પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ખોટા ભાડા કરાર (રેન્ટલ એગ્રીમેન્ટ) બનાવડાવીને રહેઠાણના બોગસ સરનામાં ઊભા કર્યા હતા. આ બોગસ સરનામાના આધારે ઓળખકાર્ડ સહિતના દસ્તાવેજો મેળવ્યા અને ગાઝિયાબાદની પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં અરજી કરી.
આ રીતે 26 જુલાઈ, 2024ના રોજ હરિકેશે નવો પાસપોર્ટ મેળવી લીધો. આ પ્રક્રિયા દરમિયાન તેણે કોર્ટમાં પોતાનો પાસપોર્ટ જમા હોવાની હકીકત છુપાવી રાખી હતી.
એટીએસની તપાસ પ્રમાણે, હરિકેશે આ બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારત અને વિદેશ વચ્ચે મુસાફરી શરૂ કરી. એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગથી બચવા માટે તેણે ખાસ રૂટ પસંદ કર્યો. તે ભારતથી ભૂતાન ગયો, ત્યાંથી બેંગકોક, સિંગાપોર અને દુબઈ પહોંચ્યો. વિદેશ પ્રવાસ પૂરો કર્યા બાદ નેપાળના રસ્તે ભારતમાં પ્રવેશ્યો.
પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. રોઝિયાને બાતમી મળી હતી કે હરિકેશ પટેલ પાસે બે પાસપોર્ટ છે અને તે બીજા પાસપોર્ટથી વિદેશ પ્રવાસ કરી રહ્યો છે. વરિષ્ઠ અધિકારીઓની સૂચના બાદ પીઆઈ બી. એચ. કોરોટના નેતૃત્વ હેઠળની એટીએસ ટીમે માહિતીની ખરાઈ કરી. પૂછપરછમાં સત્ય બહાર આવતાં ગુજરાત એટીએસે હરિકેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની સંબંધિત કલમો અને પાસપોર્ટ અધિનિયમ, 1967ની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.