સત્ય. સાહસ. સંકલ્પ.

નકલી દવા કૌભાંડ: લખનઉ પછી અમદાવાદની કંપની તપાસમાં, વાઈની બોગસ ટેબલેટ બનાવવાનો આરોપ

નકલી દવા કૌભાંડ: લખનઉ પછી અમદાવાદની કંપની તપાસમાં, વાઈની બોગસ ટેબલેટ બનાવવાનો આરોપ

ગુજરાતમાં નકલી દવાનો બીજો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પણ તપાસના દાયરામાં આવી છે. આ કંપની વોલસ્ટ્રીટ-2 ખાતે આવેલી છે.

મળતી માહિતી મુજબ, મગજના આંચકા (વાઈ)માં કામ આવતી 'Levera 500' દવાની નકલ કરીને ડુપ્લિકેટ દવા બનાવવામાં આવતી હોવાનો આરોપ છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરની દવાઓની પણ નકલ કરાતી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે લખનઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમીનાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં 'કેર ફાર્મસી' નામની રિટેલ ચેઇન સાથે સંકળાયેલા બ્રિજેશ પટેલનું નામ છે. આરોપ છે કે બ્રિજેશ પટેલ ઊંચા ડિસ્કાઉન્ટની જાહેરાત કરીને નકલી દવાઓનું વેચાણ કરતો હતો. ડિસ્ટ્રીબ્યુટર પાસે દવાના જથ્થાની ચકાસણી દરમિયાન બારકોડ મેચ ન થતાં નકલી દવાની શંકા પ્રબળ બની હતી. એટલે કે પેકિંગ, બેચ નંબર અને બારકોડની નકલ કરી દવા બજારમાં મૂકાતી હતી.

હવે તપાસકર્તાઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે આ નેટવર્ક દ્વારા કઈ-કઈ દવાઓની નકલ કરાઈ અને કેટલા શહેરોમાં પહોંચાડવામાં આવી. ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે આ મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગણી કરી છે.