સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-લખનઉ નકલી દવા કૌભાંડ: ખેંચની દવા લેવેરા-500ની નકલી સ્ટ્રીપ પકડાઈ

અમદાવાદ-લખનઉ નકલી દવા કૌભાંડ: ખેંચની દવા લેવેરા-500ની નકલી સ્ટ્રીપ પકડાઈ

અમદાવાદ અને લખનઉમાં નકલી દવાઓના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ખેંચ (એપિલેપ્સી) જેવી ગંભીર બીમારીમાં વપરાતી દવા લેવેરા-500ની નકલી સ્ટ્રીપ બજારમાં વેચાતી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ફર્મ ક્યોરપાથ ઇન્ટરનેશનલના સંચાલક બ્રજેશ પટેલ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે.

લખનઉના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ આંતરરાજ્ય નેટવર્ક ઉજાગર થયું છે. તપાસમાં જાણવા મળ્યું કે લખનઉની શ્રી ક્રિષ્ના ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સના આશિષ શર્મા અને જે.એન.કે. માર્કેટમાં વિનોદ ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સના સંચાલક મનીષ શર્મા પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે.

ડ્રગ્સ વિભાગના જણાવ્યા મુજબ, લેવેરા-500માં સામાન્ય રીતે 10 ટકા માર્જિન હોય છે, પણ આ કૌભાંડમાં 18.5 ટકાના ઊંચા માર્જિન સાથે 3200 સ્ટ્રીપ અમદાવાદ કુરિયર મારફતે મોકલવામાં આવી હતી. ક્યોરપાથના બ્રજેશ પટેલે તેને 14 ટકા નફા સાથે વેચી હતી. પાછળથી નકલી હોવાની શંકા જતાં તેમણે 1300 સ્ટ્રીપ પરત લખનઉ મોકલી આપી હતી.

સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે વિનોદ ફાર્માના હિસાબી ચોપડામાં દર્શાવવામાં આવ્યું કે તેણે ઇન્ટાસ કંપની પાસેથી 49481 સ્ટ્રીપ ખરીદી અને શ્રી ક્રિષ્ના ફાર્માને 73680 સ્ટ્રીપ વેચી. પણ ઇન્ટાસ કંપનીના રેકોર્ડ મુજબ, તેણે વિનોદ ફાર્માને માત્ર 30200 સ્ટ્રીપ જ વેચી હતી. આમ, 43480 સ્ટ્રીપના સ્ત્રોત પર સવાલ ઊભો થયો.

તપાસમાં ખુલ્યું કે મનીષ શર્માએ પોતાના ભાઈ આશિષ શર્માની પેઢીને 43 હજારથી વધુ નકલી સ્ટ્રીપ સપ્લાય કરી હતી, અને તે માટે અન્ય શહેરોની એજન્સીઓના નામે બોગસ બિલો બનાવીને સ્ટોકમાં ઉમેર્યો હતો. સરકારી લેબોરેટરીમાં તપાસમાં આ દવા સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળી) હોવાનું સાબિત થયું છે.

ખેંચ જેવી બીમારીમાં દર્દીઓ આ નકલી દવા લે તો ગંભીર આડઅસર થઈ શકે છે અને જીવનું જોખમ પણ રહેલું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.