સુરતમાં માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું ગંભીર કૌભાંડ પકડાયું છે. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ અઠવા વિસ્તારમાં બડેખા ચકલા પાસે આવેલા એક મેડિકલ સ્ટોર પર દરોડો પાડીને સંચાલક સાજિદ મુલ્લાની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પશુઓ માટે વપરાતી હિમાલયાની 'લિવ.52' દવાને મોટી બોટલમાંથી કાઢીને 60 થી 100 મિલીલીટરની નાની બોટલોમાં ભરતો હતો. તેના પર અસલ જેવું દેખાતું નકલી 'લિવ.52 ડ્રોપ્સ'નું લેબલ લગાવીને માનવ વપરાશ માટે વેચતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નકલી પ્રોડક્ટ્સ અને પેકિંગનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
SOGના DCPએ જણાવ્યું કે, "પ્રાણીઓ માટેની લિવરની દવાને રીપેકેજ કરી નવી બોટલોમાં ભરીને માનવ દવા તરીકે વેચવાના આરોપમાં સાજિદ મુલ્લાની ધરપકડ કરવામાં આવી છે."
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા એક વર્ષથી આ ખેલ ચલાવી રહ્યો હતો અને અત્યાર સુધીમાં 1000થી વધુ નકલી બોટલો વેચી ચૂક્યો છે. અસલ દવા 330 રૂપિયામાં મળતી હતી, જ્યારે આરોપી તેને 660 રૂપિયાના ઊંચા ભાવે ગ્રાહકોને વેચતો હતો. આમ, તેણે હજારો નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યું છે.
આરોપીની મેડિકલ દુકાન છેલ્લા 20 વર્ષથી જૂની છે. તે તેની બી.ફાર્મ ડિગ્રી ધરાવતી દીકરીના સર્ટિફિકેટ અને ફાર્માસિસ્ટ લાયસન્સના આધારે દુકાન ચલાવતો હતો. આમ, દીકરીના લાયસન્સનો ઉપયોગ કરીને પશુઓના લિવર ટોનિકનું રીફિલિંગ કરીને બાળકો અને મોટા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતાં હતાં.
પોલીસે આરોપી સામે BNS 2023ની કલમ 123, 125, 336-2, 278 તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ રેકેટમાં તેની સાથે અન્ય કોણ સંકળાયેલું છે, આ નકલી દવાઓ ક્યાં-ક્યાં સપ્લાય થતી હતી અને પશુઓની દવાઓ કયા જથ્થાબંધ વેપારી પાસેથી મેળવવામાં આવતી હતી, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.