સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત રેડ કરીને 900 કિલો નકલી ઘી જપ્ત કર્યું છે. આ ઘીને 'સાહસ પ્રીમિયમ કાઉ ઘી'ના નામે વેચવામાં આવતું હતું. લેબોરેટરી ટેસ્ટમાં આ ઘી નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પુરવાર થયું છે.
ગત 11 ઓક્ટોબરે ફૂડ સેફ્ટી વિભાગને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી 795 કિલો લૂઝ ઘી, 900 કિલો 'સાહસ પ્રીમિયમ કાઉ ઘી', 35 બોક્સ પ્રોટો વનસ્પતિ ડાલ્ડા ઘી, 32 ડબ્બા રિફાઇન્ડ સોયાબીન તેલ અને 300 પાઉચ (35 મિલી) જપ્ત કરવામાં આવ્યા છે. કુલ જપ્ત સામગ્રીની કિંમત રૂ. 12 લાખથી વધુ છે.
આ કારખાનું છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું હતું. તહેવારોની સીઝન નજીક આવતા ઘીની માંગ વધે છે, જેનો લાભ લેવા માટે આ ગોરખધંધો શરૂ કરવામાં આવ્યો હતો.
પોલીસે સન્ની કલ્પેશ મોદી, કિશન મનોજ મોદી અને કલ્પેશ સુંદરલાલ મોદીની અટકાયત કરી છે. ત્રણેય મૂળ બનાસકાંઠાના ડીસાના રહેવાસી છે અને હાલ અમરોલીમાં રહે છે.
પોલીસે આરોપી પાસે નકલી ઘી બનાવવાની રીતનું ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું. આરોપીઓ ડાલ્ડા ઘી અને સોયાબીન તેલના મિશ્રણમાં દિલ્હીની 'શક્તિ ટ્રેડિંગ'માંથી ઓનલાઈન મંગાવેલું ફ્લેવર નાખતા હતા. માત્ર 40 ગ્રામ ફ્લેવરથી 1500 કિલો ઘી તૈયાર થઈ જતું હતું. આ ફ્લેવરની 5 લિટરની બોટલ 5 હજાર રૂપિયામાં ઓનલાઈન ખરીદવામાં આવતી હતી.
ફૂડ વિભાગના રિપોર્ટમાં ઘીમાં બીટા-સીટોસ્ટેરોલની હાજરી જણાઈ છે. આ સ્પષ્ટ થાય છે કે મિલ્ક ફેટમાં સસ્તા વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવી હતી. નિષ્ણાતોના મતે વેજીટેબલ ફેટની ન્યુટ્રીશન વેલ્યુ ઘણી ઓછી હોય છે અને લાંબા ગાળે તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.
આ નકલી ઘી ઉત્રાણ અને આસપાસના વિસ્તારોમાં માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવતું હતું, જે બજાર ભાવ કરતાં ઘણું સસ્તું છે. સસ્તા ભાવની લાલચમાં અનેક પરિવારોએ આ ઘી ખરીદ્યું હોવાની શક્યતા છે.
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ઘીનો કાયદેસરની પ્રક્રિયા બાદ નાશ કરવામાં આવશે.